દેશના 14 રાજ્યમાં 23 નાયબ મુખ્યમંત્રી, બંધારણમાં હોદ્દો નહીં હોવા છતાં કેવી રીતે બને છે સરકારમાં નંબર 2
Deputy Chief Minister post in India: મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન બાદ હવે ઓડિશામાં પણ ભાજપે સરકાર બનાવવાનો ફોર્મ્યુલા રિપીટ કરી છે. ઓડિશામાં મોહન માઝી મુખ્યમંત્રી તેમજ કે.વી. સિંહ અને પ્રવતી પરિદા ઉપ-મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળશે. આમ, ઓડિશામાં પણ હવે બે નાયબ મુખ્યમંત્રી કાર્ય કરશે. અગાઉ ગત વર્ષે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ સરકાર બનાવતી વખતે ભાજપે બે નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા.
કયા-કયા રાજ્યોમાં છે નાયબ મુખ્યમંત્રી
હાલ ભારતના 14 રાજ્યોમાં 23 નાયબ મુખ્યમંત્રી કાર્યરત છે. આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા એમ 5 રાજ્યોમાં એક-એક નાયબ મુખ્યમંત્રી, જ્યારે બાકીના 9 રાજ્યો બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, ઓડિશા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં બે-બે નાયબ મુખ્યમંત્રી છે. નાયબ મુખ્યમંત્રીની આ યાદીમાં ભાજપના 15, કોંગ્રેસના 3 અને અન્ય પક્ષોના 5 સમાવિષ્ટ છે.
શું હોય છે નાયબ મુખ્યમંત્રીનો પદ?
બંધારણની કલમ 163 અને 164માં મુખ્યમંત્રી અને મંત્રીમંડળ અંગે જોગવાઇ છે. કલમ 163(1) મુજબ, રાજ્યપાલને સલાહ આપવા માટે મુખ્યમંત્રીના નેતૃત્વમાં એક મંત્રીમંડળ હોય છે. જે મુજબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળની નિયુક્તિ રાજ્યપાલ કરે છે. જો કે, આ જોગવાઇમાં નાયબ મુખ્યમંત્રી અંગે કોઇ ઉલ્લેખ નથી. કારણકે, રાજ્યમાં નાયબ મુખ્યમંત્રીને પણ મંત્રીમંડળની કક્ષાના જ મંત્રી માનવામાં આવે છે. મંત્રીને જે સુવિધાઓ અને સેલેરી આપવામાં આવે છે એ જ સેલેરી અને સુવિધાઓ નાયબ મુખ્યમંત્રીને પણ આપવામાં આવે છે.
તો શું નાયબ મુખ્યમંત્રીનો પદ ગેરકાયદે છે?
આ વર્ષે 12 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે નાયબ મુખ્યમંત્રીની કાયદેસરતા અંગે ચૂકાદો આપ્યો હતો. જેમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની સંયુક્ત ખંડપીઠે જણાવ્યું હતું કે, આ પદ ગેરકાયદે નથી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં નાયબ મુખ્યમંત્રીના પદને અયોગ્ય જાહેર કરવાની માગ કરાઇ હતી. આ અરજીને ફગાવતા મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડે જણાવ્યું હતું કે, આ પદ ગેરકાયદેસર નથી, પરંતુ એક મહત્ત્વનું પદ છે. નાયબ મુખ્યમંત્રીને કોઇ વધારાની સુવિધા કે સેલેરી આપવામાં આવતી નથી અને એ રાજ્ય સરકારના સૌથી પહેલાં અને મહત્ત્વના મંત્રી હોય છે.
ક્યારથી અસ્તિત્વમાં આવ્યું આ પદ?
આઝાદી બાદ ગઠબંધનવાળી સરકારોમાં નાયબ મુખ્યમંત્રી રાખવાની શરૂઆત થઇ હતી. ભારતના પ્રથમ નાયબ મુખ્યમંત્રી નારાયણ સિંહાને માનવામાં આવે છે. તેઓ આઝાદી બાદથી 1957 સુધી બિહારના નાયબ મુખ્યમંત્રીના પદ પર કાર્યરત હતા. તેમના બાદ 1967માં કર્પૂરી ઠાકુર બિહારના તેમજ દેશના બીજા નાયબ મુખ્યમંત્રી બન્યા હતા.