સેલેરી કે ભથ્થાં નહીં લે આ રાજ્યના ડેપ્યુટી CM, કરોડોમાં છે નેટવર્થ
Pawan Kalyan Denies For Salary : પવન કલ્યાણે રાજ્યની નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા મળતાં ભથ્થાંને લેવાની ના પાડી દીધી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, જો ફર્નિચર વગેરે કોઈ વસ્તુની જરુરિયાત જણાશે તો પોતાના પૈસામાંથી લેશે.
જો ઓફિસમાં ફર્નિચરની જરૂર પડશે તો ખુદના ખર્ચે મંગાવીશ
આંધપ્રદેશનાં નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે સેલેરી સહિત અન્ય સરકારી ભથ્થાં લેવાની ના પાડતાં સોશિયલ મીડિયામાં તેમની ચર્ચાઓ થઈ રહી છે. તેલુગુ સુપરસ્ટાર અને જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણે સેલેરી લેવાની ના પાડી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં તેમની જોરશોરથી ચર્ચા થઈ હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને પંચાયતી રાજ વિભાગના મંત્રી કલ્યાણે રાજ્યની નાણાકીય સ્થિતિ પર નજર નાખ્યાં પછી તેમણે સેલેરી અને ભથ્થાં લેવાની ના પાડી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, જો ઓફિસમાં ફર્નિચરની જરૂર પડશે તો ખુદના ખર્ચે મંગાવીશ.
પંચાયતી રાજ વિભાગમાં ફંડની અછત હોવાથી સેલેરી નથી લેવી
પેન્શન વિતરણ કાર્યક્રમમાં કલ્યાણે મીટિંગને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, અધિકારીએ મને ઓફિસમાં રિનોવેશન અને રિપેર કરવા શું કરવું છે? તેમ પૂછતાં તેમણે જણાવ્યું કે, કોઈ નવું ફર્નિચર ખરીદવાની જરૂર નથી, જો જરૂર પડી તો હું ખુદ લાવીશ. આ ઉપરાંત સચિવાલયમાં ત્રણ દિવસ હાજર રહેવાના રૂ.3500 વેતનને લઈને અધિકારી તેમની સહી કરાવવા ગયાં હતાં તો કલ્યાણે સેલેરી લેવાની ના પાડીને જણાવ્યું હતું કે, પંચાયતી રાજ વિભાગમાં ફંડની અછત હોવાથી સેલેરી લેવાની ના પાડી હતી.
કોણ છે પવન કલ્યાણ?
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા પવન કલ્યાણનું સાચું નામ કોનિડેલા કલ્યાણ બાબુ છે. પરંતુ જનતા તેમને પવન કલ્યાણ નામથી ઓળખે છે. 1996નાં સમયગાળામાં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ અક્કડા અબ્બાઈ ઈક્કાડા અમ્માયી સુપરહિટ થતાં કલ્યાણે લોકોના દિલમાં સ્થાન મેળવ્યું હતું. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'પાવર સ્ટાર' તરીકે ઓળખાતા પવન કલ્યાણ સુપરસ્ટાર ચિરંજીવીના નાના ભાઈ છે. બે દાયકાથી વધુ સમયથી એક્ટિંગની દુનિયામાં સક્રિય રહેલા પવન કલ્યાણે 2014માં જનસેના પાર્ટીની સ્થાપના કરી હતી. આમ આંધ્ર પ્રદેશના પીઠાપુરમ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાય આવેલા કલ્યાણ પાર્ટીના અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે.
કેટલી છે પવન કલ્યાણની નેટવર્થ?
જનસેના પાર્ટીના સ્થાપક અને સાઉથના દિગ્ગજ અભિનેતા પવન કલ્યાણે તાજેતરમાં ચૂંટણી એફિડેવિટ વખતે પોતાની મિલકતનો ખુલાસો કર્યો હતો. એફિડેવિટ પ્રમાણે તેમની પાસે કુલ 164.33 કરોડ રુપિયાની સંપત્તિ છે. આમ છેલ્લા ચાર વર્ષમાં તેમની આવક 60 કરોડ રુપિયાની આસપાસ હતી. કલ્યાણ પાસે કુલ 118.36 કરોડની કાયમી મિલકત છે. એફિડેવિટમાં જણાવ્યાં પ્રમાણે, કલ્યાણ પાસે હાર્લે ડેવિડસન બાઈક અને રેંજ રોવર સહિત 11 જેટલાં પ્રીમિયમ વ્હીકલ છે. આમ તેમના બધા વાહનોની કિંમત 14 કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે. જ્યારે 2018-19ના આઈટી રિટર્ન ફાઈલિંગ કરતી વખતે 1.10 કરોડ રૂપિયાની ખોટ દર્શાવી હતી.