હરિયાણાઃ ભાજપ સાથે ગઠબંધન કરનાર ચૌટાલાએ બતાવ્યા શિવસેના જેવા તેવર
નવી દિલ્હી, તા. 03 નવેમ્બર 2019, રવિવાર
હરિયાણામાં ભલે ભાજપે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી સાથે હાથ મિલાવીને સરકાર બનાવી હોય પણ સરકારમાં ડેપ્યુટી સીએમ બનતાની સાથે ચૌટાલાએ પણ હરિયાણામાં શિવસેનાવાળી કરવાના સંકેત આપી દીધા છે.
ચૌટાલાએ એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, અગાઉની ખટ્ટર સરકારમાં જે પણ કહેવાતા ગોટાળા થયા છે તેની તપાસ થશે.સિસ્ટમ હવે એ રીતે કામ નહી કરે જે રીતે અગાઉના પાંચ વર્ષમાં થયુ હતુ.છેલ્લા પાંચ વર્ષમાં કોઈ ભ્રષ્ટાચાર થયો હશે તો તેના પર એક્શન લેવાશે.એ પછી એસસી એસટી સ્કોલરશિપ હોય, ખનીજ કૌભાંડ હોય કે મેડિકલ સ્કેમ હોય, કામ કરવાની પધ્ધતિમાં ફેરફાર થશે.
ચૌટાલાએ કહ્યુ હતુ કે, હરિયાણાવાસીઓને ખાનગી નોકરીઓમાં 75 ટકા આરક્ષણ અપાશે.વિધાનસભા સત્રમાં આ માટે બિલ રજુ કરાશે.મારુ લક્ષ્ય તેને પાસ કરાવવાનુ છે.જેથી હરિયાણામાં રોજગારી વધારી શકાય.
ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં ભાજપને 40 બેઠકો મળી હતી.ભાજપને બહુમતી માટે બીજી 6 બેઠકોની જરુર હતી.આ સંજોગોમાં જેજેપી 10 બેઠકો મેળવી ચુકી હોવાથી ભાજપે તેની સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી છે.જેમાં મનોહરલાલ ખટ્ટર સીએમ અને ચૌટાલાને ડેપ્યુટી સીએમ પદ મળ્યુ છે.