'રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં ન જનારા, ઈફ્તારમાં જરૂર ગયા હોત..' કેશવ મૌર્યના વિપક્ષ પર આકરા પ્રહાર
કેશવ પ્રસાદ મૌર્ય યુપીમાં યોગી સરકારમાં ભાજપના ઉપમુખ્યમંત્રી છે
Ayodhya Ram Mandir News | અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને હવે માંડ બે દિવસ બાકી છે ત્યારે એવા ઘણાં લોકો છે જેમણે આ કાર્યક્રમમાં હાજરી આપવાનો ઈનકાર કરી દીધો છે અને તેને ભાજપનો રાજકીય કાર્યક્રમ ગણાવી દીધો હતો. જેમાં ખાસ કરી વિપક્ષના નેતાઓ સામેલ છે. આ સૌની વચ્ચે ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ (Keshav Prasad Maurya) એક કાર્યક્રમમાં રામમંદિરનું આમંત્રણ ફગાવનારા વિપક્ષના નેતાઓ સામે નિશાન તાકતાં કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવવાની ના પાડનારા લોકોને જો ઈફ્તારનું આમંત્રણ મળ્યું હોત તો તેઓ જરૂરથી ગયા હોત.
કારસેવકો પર ગોળી ચલાવનારાઓને ઘેર્યા
ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે આજે રામભક્તો પર ગોળી ચલાવનારા પણ બોલી રહ્યા છે કે તે રામમંદિર જશે. તેનાથી જાણ થાય છે કે ભાજપનો માર્ગ એકદમ ઠીક હતો. આપણા વડાપ્રધાન સૌનો સાથ સૌનો વિકાસમાં માને છે અને આજનો સમય પણ એ જ છે ન કે અમુક લોકોના વિકાસનો. રાભક્તો પર સપા સરકારે ગોળીઓ ચલાવી હતી પણ અમારી કલ્યાણ સિંહ સરકારે એક પણ ગોળી નહોતી ચલાવી.
ઈફ્તારમાં જરૂર ગયા હોત...
તેમણે કહ્યું કે રામમંદિર પર સવાલ એ લોકો ઊઠાવી રહ્યા છે જેમના હાથ રામભક્તોના લોહીથી રંગાયેલા છે. જે લોકો રામને કાલ્પનિક માનતા હતા તે પણ બોલી રહ્યા છે કે અમે મંદિર આવીશું. હવે તેમને ટ્રસ્ટે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં આવવાનું આમંત્રણ આપ્યું તો તેઓ આવવા તૈયાર નથી. મને લાગે છે કે તેમને જો કોઈ ઈફ્તારનું આમંત્રણ મળ્યું હોત તો તેઓએ ઈનકાર ન કર્યો હોત.