ભાજપની ગુંડાગીરી રોકવા વિશેષ ઓબ્ઝર્વર તૈનાત કરો : કેજરીવાલ
આપ સમર્થકો પર હુમલા થઇ શકે છે : પંચને કેજરીવાલનો પત્ર
કેજરીવાલ, સિસોદિયા, આતિશી હારી રહ્યા હોવાથી તેમનો ડર બહાર આવ્યો : ભાજપ
એક પ્રેસકોન્ફરંસમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ચૂંટણીને હવે માત્ર ત્રણ જ દિવસ બાકી રહ્યા છે, આપ સમર્થકોનું વાવાઝોડુ જોવા મળી રહ્યું છે. જેને કારણે ભાજપ મુંઝાયો છે, ખાસ કરીને ભાજપના નેતા પાગલ થઇ ગયા છે. કેજરીવાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું પણ નામ લીધુ હતું. જેને કારણે ભડકેલા ભાજપે વળતો જવાબ આપ્યો હતો.
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કેજરીવાલ પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે આપવડા કેજરીવાલ ચૂંટણી હારી રહ્યા છે, તેથી હવે ગૃહ મંત્રીને પાગલ કહીને તેને અપમાનિત કરી રહ્યા છે. તેમના આ નિવેદન બીજુ કઇ નહીં પરંતુ હારનો ડર દર્શાવે છે. અમારો અંગત સરવે કહે છે કે દિલ્હીમાં કેજરીવાલ, આતિશી, સિસોદિયા અને આપ સહિત તમામ હારી રહ્યા છે જ્યારે ભાજપ જીતી રહ્યું છે.
બીજી તરફ કેજરીવાલે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને દાવો કર્યો છે કે ભાજપ તરફથી આપના નેતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકોને ધમકાવવામાં આવી રહ્યા છે. ભાજપ વતી દિલ્હી પોલીસ પણ અમારી ફરિયાદ પર ધ્યાન આપવાના બદલે આપના સમર્થકોને ડરાવી રહી છે. અમને એવો ભય છે કે આપના સમર્થકોને બંધક બનાવાય, ધમકાવાય કે મારપીટ પણ થઇ શકે છે. પોલીસની કાર્યવાહી પર ધ્યાન રાખવા દિલ્હીમાં વિશેષ ઓબ્ઝર્વર્સ તૈનાત કરવા જોઇએ.