ઉ. ભારતમાં ગાઢ ધુમ્મસ, હાથ ગાળતી ઠંડી : કાશ્મીરમાં નળના પાણી થીજી ગયા
- કાશ્મીરનું દાલ સરોવર થીજી ગયું : પહેલગામમાં માઇનસ 6.2 ડિગ્રી
- દિલ્હીમાં 2023નો ડિસેમ્બર છેલ્લા છ વર્ષનો સૌથી ગરમ ધુમ્મસને કારણે દિલ્હી જતી 26 ટ્રેનો એક થી 6 કલાક મોડી
નવી દિલ્હી : ઉત્તર ભારતમાં ઠંડીની સાથે ગાઢ ધુમ્મસનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બીજી તરફ કાશ્મીરના શ્રીનગર સ્થિત દાલ તળાવ થીજી ગયું છે. ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે ટ્રેન અને વાહન વ્યવહારને અસર થઇ હતી.
કાશ્મીરના પહેલગામમાં લઘુતમ તાપમાન માઇનસ ૬.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે.
કાશ્મીરના અનેક વિસ્તારોમાં પાણીની પાઇપ થીજી જતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
દેશની રાજધાની દિલ્હીમાં સવારે ઠંડા પવનો ફૂંકાયા હતાં. દિલ્હીમાં લઘુતમ તાપમાન ૮.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર દિલ્હી જતી ૨૬ ટ્રેનો એક થી છ કલાક મોડી પડી હતી.સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના આંકડા અનુસાર સવારે ૬.૩૦ કલાકે દિલ્હીમાં એર ક્વાલિટી ઇન્ડેક્સ ૩૪૬ નોંધવામાં આવ્યું હતું. જે ખૂબ જ ખરાબ કેટેગરી દર્શાવે છે. જો કે દિલ્હીમાં ૨૦૨૩નું ડિસેમ્બર છેલ્લા ૬ વર્ષનું સૌથી ગરમ રહ્યું છે.
રાજસ્થાનમાં પણ ગાઢ ધુમ્મસને કારણે રેલવે, વિમાન અને વાહનોની અવરજવરને અસર થઇ હતી. જયપુર એરપોર્ટ પર દ્રશ્યતા ૫૦ મીટર નોંધવામાં આવી હતી.રાજસ્થાનના સિકરમાં લઘુતમ તાપમાન ૪.૫ ડિગ્રી સેલ્સિયસ, ફાલોદીમાં ૪.૮ ડિગ્રી સેલ્સિયસ, કરૌલીમાં ૫.૨ ડિગ્રી સેલ્સિયસ, જૈસલમેરમાં ૫.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
પંજાબ અને હરિયાણામાં તીવ્ર ઠંડીનું મોજું યથાવત છે. ભટિન્ડામાં લઘુતમ તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. જ્યારે પટિયાલામાં ૭.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે. હરિયાણાના હિસારમાં લઘુતમ તાપમાન ૭.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે.