ઉ.પ્રદેશમાં ગાઢ ધુમ્મસના કારણે 40 વાહનો અથડાયા : છનાં મોત

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
ઉ.પ્રદેશમાં ગાઢ ધુમ્મસના કારણે 40 વાહનો અથડાયા : છનાં મોત 1 - image


- આગ્રા નેશનલ હાઈવે અને યમુના એક્સપ્રેસ-વે સહિતના સ્થળે અકસ્માતોની વણઝાર

- દિલ્હીમાં વિઝિબિલિટી ઘટીને 50 મીટરથી ઓછી થતાં ઓરેન્જ એલર્ટ : ચાર ફલાઇટ જયપુર ડાયવર્ટ : 25 ટ્રેનો મોડી પડી

- બિહારમાં વરસાદ પછી કડકડતી ઠંડી પડવાની આગાહી : યુપીમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસ અંગે ઓરેન્જ એલર્ટ : હવામાન વિભાગ

ઉન્નાવ/બાગપત/પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના વિભિન્ન વિસ્તારોમાં મંગળવારની રાત અને બુધવાર સવારે ગાઢ ધુમ્મસને કારણે થયેલા અલગ અલગ અકસ્માતોમાં ૪૦ વાહનો અથડાયા હતાં અને ૧૦ લોકોનાં મોત થયા છે તેમ પોેલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલુ હતું. કેટલાક વિસ્તારોમાં તો દ્રશ્યતાનું પ્રમાણ ઘટીને ૨૦ મીટરથી પણ ઓછું થઇ ગયું હતું.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી બે દિવસ રાજ્યમાં ગાઢ ધુમ્મસનું પ્રમાણ યથાવત રહેશે. બરેલીમાં મોટરસાયકલ ટ્રેકટર સાથે અથડાતા બે મહિલાનાં મોત થયા હતાં.

પ્રયાગરાજ જિલ્લામાં મોટરસાયકલ ડમ્પર ટ્રક સાથે અથડાતા બે યુવાનોનાં મોત થયા હતાં. ઉન્નાવમાં એક કન્ટેનર ટ્રક સાથે ત્રણ બસો અને બે કાર અથડાતા એક વ્યકિતનું મોત થયું છે. 

પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં એક વાન ટ્રક સાથે અથડાતા વાનમાં સવાર બે મહિલાઓનું મોત થયું છે. 

બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં પણ સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલુ હતું. ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટ પરથી ચાર ફલાઇટ જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી.

દિલ્હીમાં સવારના સમયે દ્રશ્યતાનુ પ્રમાણ ૫૦ મીટરથી ઓછું થઇ જતાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કરી હતી. ગાઢ ધુમ્મસને કારણે કેટલીક ટ્રેનોને પણ અસર થઇ હતી. દિલ્હી રેલવે સ્ટેશને આવનારી ૨૫ ટ્રેનો તેના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી હતી.કાશ્મીરમાં પણ ગાઢ ધુમ્મસ અને અસહ્ય ઠંડી યથાવત છે. શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ ૨.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા પહેલગામમાં તાપમાન માઇનસ ૪.૬ ડિગ્રી સેલ્સિયસ હતું. 

પંજાબ અને હરિયાણામાં પણ ઠંડી અને ધુમ્મસનું પ્રમાણ યથાવત રહ્યું હતું. પંજાબના ભટિન્ડામાં ૬.૨ ડિગ્રી અને હરિયાણાના અંબાલામાં ૬.૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. 

બિહારમાં વરસાદ પછી કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસ અંગે ઓરેન્જ અલર્ટ જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઝારખંડમાં આગામી પાંચ દિવસ હવામાનમાં કોઇ મોટો ફેરફાર થશે નહીં. બિહારમાં છેલ્લા પાંચ દિવસમાં લઘુતમ તાપમાન બેગણુ વધી ગયુ છે. હવામાન વિભાગ મુજબ ૨૧ ડિસેમ્બરે કિશનગંજમાં લઘુતમ તાપમાન ૫.૫ ડિગ્રી હતું. જે ૨૬ ડિસેમ્બરે વધીને ૧૧ ડિગ્રી સેલ્સિયસ થઇ ગયું હતું. 

અકસ્માતગ્રસ્ત ટ્રકમાંથી મરઘીઓની લૂંટ : વીડિયો વાયરલ

ગાઢ ધુમ્મસને કારણે ઉત્તર પ્રદેશમાં વાહનો એકબીજા સાથે અથડાયા હતાં. જેમાં મરધીઓથી ભરેલ એક ટ્રક પણ સામેલ હતો. અકસ્માત પછી ત્યાંથી પસાર થઇ રહેલા લોકોએ લોડિંગમાંથી મરધીઓ લૂંટવાનું શરૂ કરી દીધું હતું. કોઇ હાથમાં તો કોઈ થેલામાં મરઘીઓને ભરીને લઇ રહ્યાં હતાં. આ લૂંટનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. દુર્ઘટનાગ્રસ્ત ટ્રકમાંથી અડધા કલાક સુધી મરઘીઓની લૂંટ ચાલુ રહી હતી. જો કે  ત્યારબાદ પોલીસ પહોંચતા જ મરઘી લૂંટી રહેલા લોકો ત્યાંથી ભાગી ગયા હતાં.


Google NewsGoogle News