હાડ થીજવતી ઠંડી વચ્ચે ઉ.ભારતમાં વિઝિબિલિટી '0', ટ્રેન-ફ્લાઈટને અસર, IMDનું લેટેસ્ટ અપડેટ
Dense Fog Engulfs North India: દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ઉત્તર ભારતમાં ધુમ્મસ અને કોલ્ડવેવનો પણ પ્રકોપ વધી જાય છે. ઉત્તર ભારતમાં હાલમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઘરની અંદર હોય કે બહાર, ઠંડીના કારણે જનજીવન મુશ્કેલ બની રહ્યું છે. ધુમ્મસના કારણે ઝીરો વિઝિબિલિટી નોંધાઈ રહી છે, જેના કારણે હવાઈ અને રેલ ટ્રાફિક પ્રભાવિત થઈ રહ્યો છે.
શનિવારે (ચોથી જાન્યુઆરી) સવારે દિલ્હીના IGI એરપોર્ટ પર વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ હતી. જેના કારણે 150થી વધુ ફ્લાઈટો મોડી પડી હતી. IGI એરપોર્ટ પર સવારે 8.30 વાગ્યા સુધી ઝીરો વિઝિબિલિટી હતી. જો કે, કેટલીક જગ્યાએ હવામાન સુધર્યું હતું અને વિઝિબિલિટી 100-250 મીટર સુધી પહોંચી હતી.
#WATCH | A dense layer of fog blankets the national capital as a cold wave grips Delhi#Winter | #ColdWave pic.twitter.com/AWRcu5NHaC
— DD News (@DDNewslive) January 4, 2025
એરલાઈન્સે એડવાઈઝરી જારી કરી
ગાઢ ધુમ્મસને કારણે, ઘણી એરલાઇન કંપનીઓએ મુસાફરોની સુવિધા માટે એડવાઈઝરી જારી કરી છે અને લોકોને વિનંતી કરી છે કે, તે એરપોર્ટ પર આવતા પહેલા તેમની ફ્લાઇટ્સનું સ્ટેટસ ચેક કરે. ઈન્ડિગો અને એર ઈન્ડિયા સહિતની એરલાઈન્સે પેસેન્જરો માટે એડવાઈઝરી જારી કરી છે, જેમાં જણાવ્યું છે કે ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી અને ઉત્તર ભારતના ભાગોમાં ફ્લાઈટ કામગીરીને અસર કરી રહી છે.
95 ટ્રેન રદ કરાઈ છે
દિલ્હીથી ચાલતી લાંબા અંતરની 95 ટ્રેનો રદ કરવામાં આવી હતી. તેની પાછળ ગાઢ ધુમ્મસ અને અન્ય કારણો પણ દર્શાવવામાં આવ્યા છે. રેલવે ટ્રેક પર દોડતી ઉત્તર ભારતની 150થી વધુ ટ્રેનો મોડી પડી હતી. જેમાં દિલ્હી પહોંચતી 41થી વધુ ટ્રેનોને સમય બદલાવવા સાથે રવાના કરવામાં આવી હતી. મોડી પડેલી ટ્રેનોમાં, મુખ્યત્ત્વે મહાબોધિ એક્સપ્રેસ બે કલાકથી વધુ, નવી દિલ્હી-ડિબ્રુગઢ સાત કલાકથી વધુ, પુરબિયા એક્સપ્રેસ 4 કલાકથી વધુ, વિક્રમશિલા 3 કલાકથી વધુ મોડી પડી હતી.
હવામાન વિભાગની આગાહી
ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર ભારતમાં ધુમ્મસ અને શીત લહેરથી તાત્કાલિક રાહત નહીં મળે. અત્યારે મધ્યમથી ગાઢ ધુમ્મસની સાથે કોલ્ડવેવના ડબલ ડોઝની સ્થિતિથી દરેકને અસર થશે. 7 જાન્યુઆરી પછી પરિસ્થિતિમાં થોડો ફેરફાર થઈ શકે છે.