આગામી વર્ષ સુધી આવી જશે ડેન્ગ્યુની રસી, ત્રીજા તબક્કાના ટ્રાયલ પણ પૂરા થવાની તૈયારી
Dengue Vaccine Will Launched In Next Year: દેશનું આરોગ્ય મંત્રાલય આગામી વર્ષ સુધી ડેન્ગ્યુની રસી ભારતમાં લોન્ચ કરી શકે છે. હાલ ચાર કંપનીઓ રસી પર ટ્રાયલ કરી રહી છે. ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂર્ણ થવાની સાથે જ આ રસી બજારમાં મૂકવામાં આવશે.
નોંધનીય છે કે, ઓક્ટોબરમાં ડેન્ગ્યુના કેસો પીક પર રહેશે. ગતવર્ષની તુલનાએ આ વર્ષે ડેન્ગ્યુના સૌથી વધુ 32091 કેસો નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રે જણાવ્યું હતું કે, અમે ડેન્ગ્યુ સંદર્ભે રાજ્યો સાથે બેઠક કરી વધી રહેલા કેસોને નિયંત્રણમાં લેવા માર્ગદર્શિકા તૈયાર કરી છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરમાં વરસાદની સિઝનમાં ડેન્ગ્યુના કેસો વધુ નોંધાય છે. ઓક્ટોબરમાં ડેન્ગ્યુના કેસ પિક પર હોય છે અને બાદમાં ઘટવા લાગે છે.
ડેન્ગ્યુથી બચવા માટે રાજ્યો સાથે બેઠક
2000 સુધી ડેન્ગ્યુથી થતા મૃત્યુનો આંક 3 ટકા હતો. જે ઘટી 1 ટકા થયો છે. ડેન્ગ્યુ મામલે તમામ રાજ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં રાજ્યોને માર્ગદર્શિકા આપવામાં આવી હતી. તમામ રાજ્યોને તેનાથી બચવાના ઉપાયો જણાવવામાં આવ્યા હતા.
આ રાજ્યોમાં ડેન્ગ્યુનું જોખમ વધ્યું
આ અંગે વધુ માહિતી આપતા અપૂર્વ ચંદ્રાએ કહ્યું કે ચોમાસાની શરૂઆતથી, દેશના દક્ષિણ ભાગમાં ડેન્ગ્યુના વધુ કેસ જોવા મળી રહ્યા છે જેમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુ સમાવિષ્ટ છે. આ સાથે મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસ પણ જોવા મળી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે મહારાષ્ટ્રમાં વર્ષના પ્રથમ સાત મહિનામાં ડેન્ગ્યુના કેસો 83 ટકા વધ્યા છે. જાન્યુઆરી અને જુલાઈ 2023 દરમિયાન મહારાષ્ટ્રમાં 3,164 કેસ નોંધાયા હતા, જ્યારે આ વર્ષના પ્રથમ સાત મહિનામાં 5,776 કેસ નોંધાયા છે. આ વર્ષે અત્યાર સુધીમાં કર્ણાટકમાં ડેન્ગ્યુના 19,000થી વધુ કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં પણ ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે, જ્યાં અત્યારસુધીમાં ઓછામાં ઓછા 2,640 લોકો ડેન્ગ્યુનો ભોગ બન્યા છે.
ડેન્ગ્યુના લક્ષણો
ડેન્ગ્યુ એ મચ્છરજન્ય વાયરલ રોગ છે જે મોટે ભાગે પાણીમાં થાય છે. તેના લક્ષણોમાં વધુ પડતો તાવ, માથાનો દુખાવો, ઉલટી, સ્નાયુઓ અને સાંધાના દુખાવાની સાથે ત્વચામાં ખંજવાળ અને ફોલ્લીઓ થવી વગેરે સામેલ છે.