કરણી સેનાના વડાની હત્યાના વિરોધમાં રાજસ્થાન, મ.પ્ર. અને છત્તીસગઢમાં દેખાવો
- રાજસ્થાનના રાજ્યપાલે અમિત શાહ સાથે ફોન પર વાત કરી
- રાજસ્થાનમાં બજારો બંધ, રસ્તાઓ બ્લોક કરાયા અને પાંચ ટ્રેનોને રોકવામાં આવી : રાજસ્થાન પોલીસે સીટની રચના કરી
- હત્યારા રોહિત રાઠોડ અને નીતિન ફોજીની માહિતી આપનારને પાંચ લાખનું ઇનામ
જયપુર/ભોપાલ : રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાએ પોતાના વડા સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં આપેલા બંધને પગલે જયપુર અને રાજસ્થાન અન્ય કેટલાક જિલ્લાઓમાં બજારો બંધ રહ્યાં હતાં. આ બંધ દરમિયાન દેખાવકારોએ રોડ બ્લોક કર્યા હતાં અને ટ્રેનો રોકી હતી.
રાજસ્થાન ઉપરાંત મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ સુખદેવ સિંહની હત્યાના વિરોધમાં દેખાવો થયા હતાં. મધ્ય પ્રદેશમાં ભોપાલ, ઇન્દોર અને જબલપુર સહિતના શહેરોમાં દેખાવો થયા હતાં. ભોપાલમાં કરણી સેનાના કાર્યકરોએ ભોપાલમાં રસ્તાઓ બ્લોક કર્યા હતાં.
રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને રાજ્યના મુખ્ય સચિવ, ગૃહ સચિવ, પોલીસ વડા અને જયપુરના પોલીસ કમિશનરને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે બોલાવ્યા છે.
આ દરમિયાન પોલીસે રાજપૂત નેતાની હત્યાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે બે લોકોએ ઘરમાં ઘૂસીને કરણી સેનાના વડાની હત્યા કરી હતી.
પોલીસે બે હત્યારાઓ તરીકે જયપુરના રોહિત રાઠોડ અને હરિયાણાના મહેન્દ્રગઢના નીતિન ફોજીને હત્યારા તરીકે જાહેર કર્યા છે. આ બંનેની માહિતી આપનારને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
કરણી સેનાએ આપેલા બંધને પગલે જયપુર, કોટા, બુંદી, અજમેર, સવાઇ માધોપુર, ચિત્તોરગઢ, ઝાલાવાડ, બરાન અને અન્ય કેટલાક જિલ્લાઓમાં બજારો બંધ રહ્યાં હતાં. જ્યારે ઉદયપુરમાં મોટી રેલી કાઢવામાં આવી હતી. કોટામાં ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવી હતી.
નોર્થ વેસ્ટરન રેલવેના મુખ્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભિલવાડા અને જયપુર રૂટ પર પાંચ ટ્રેનો રોકવામાં આવી હતી. રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ મહીપાલ સિંહ મકરાણાએ રાજ્યના પોલીસ વડાને હટાવવાની માગ કરી છે.
આ દરમિયાન બંને હત્યારાઓને સુખદેવ સિંહના મકાન સુધી લઇ જનારા વ્યકિતની ઓળખ નવીનસિંહ શેખાવત તરીકે કરવામાં આવી છે.
ભોપાલમાં કરણી સેનાના કાર્યકરોએ ગોગામેડીના હત્યારાઓના એન્કાઉન્ટરની માગ કરી છે. દેખાવકારોએ ટાયરો બાળીને કેટલાક રસ્તાઓ બ્લોક કર્યા હતાં. રાજપૂત કરણી સેનાના જિલ્લા પ્રમુખ રિશિરાજ સિંહ સિસોદીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે અમારી માગ છે કે હત્યારાઓની ધરપકડ કરી તેમને ફાંસીની સજા ફટકારવામાં આવે.