લોકશાહીની હત્યા નહીં થવા દઇએ : સુપ્રીમ કોર્ટ

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
લોકશાહીની હત્યા નહીં થવા દઇએ : સુપ્રીમ કોર્ટ 1 - image


- ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ગેરરીતિ મુદ્દે સુપ્રીમ લાલઘૂમ

- મતો સાથે ચેડાં થયા હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યું છે, ચૂંટણી અધિકારી એ ના ભુલે કે અમારી તેના પર નજર છે : ચૂંટણીના તમામ રેકોર્ડ સુપ્રીમ કોર્ટમાં રજુ કરવાના આદેશ આપ્યા

- આપ-કોંગ્રેસ ગઠબંધનને વધુ મત પડયા છતાં ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થતા ચૂંટણી પ્રક્રિયા પર સુપ્રીમે પણ શંકા વ્યક્ત કરી

- મ્યૂનિ.ની બેઠક હાલ નહીં યોજાય, હાઇકોર્ટે વચગાળાનો આદેશ જારી કરવો જોઇતો હતો : સુપ્રીમની ટકોર  

ચંડીગઢ : ચંડીગઢના મેયરપદે તાજેતરમાં જ ચૂંટણી યોજાઇ હતી, જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાસે વધુ મત હોવા છતા તેના પ્રતિદ્વંદી ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરાયા હતા. આ સમગ્ર ઘટનાક્રમની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે અને આકરી ટિકા કરતા કહ્યું છે કે અમે લોકશાહીની હત્યા નહીં થવા દઇએ. સાથે જ ચૂંટણી અધિકારીને પણ આડેહાથ લીધા હતા અને ચૂંટણીના તમામ રેકોર્ડ સુપ્રીમ કોર્ટમાં રજુ કરવાના આદેશ આપ્યા છે. 

ચંડીગઢ મેયરની ચૂંટણી થઇ તેમાં આપ અને કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર કુલદીપસિંહને ૨૦ મત મળ્યા હતા, જ્યારે તેના વિરોધી ભાજપના ઉમેદવાર મનોજ સોનકરને ૧૬ મત મળ્યા હતા. બાદમાં મતગણતરી સમયે ચૂંટણી અધિકારીએ ગઠબંધનના આઠ મત રદ કરી દીધા હતા અને મત યોગ્ય રીતે ના અપાયા હોવાનો દાવો કર્યો હતો. તેથી ભાજપના ઉમેદવાર મેયર બની ગયા હતા. આ સમગ્ર ઘટનાક્રમને આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 

આપના ઉમેદવાર કુલદીપસિંહની અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે ચૂંટણી અધિકારીને એ જાણ હોવી જોઇએ કે સુપ્રીમ કોર્ટ તેમના પર નજર રાખી રહી છે. અમે આ રીતે લોકશાહીની હત્યા નહીં થવા દઇએ. આ દેશમાં એક માત્ર મોટી સ્થિર શક્તિ લોકશાહીની પવિત્રતા છે. એવુ લાગી રહ્યું છે કે રિટર્નિંગ ઓફિસરે મતો સાથે છેડછાડ કરી છે અને તેને બગાડવાનો પ્રયાસ કર્યો છે. જે બદલ આ ઓફિસરની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ. રિટર્નિંગ ઓફિસર લોકશાહીની હત્યા કરી રહ્યા છે. તેણે જે કઇ કર્યું તેનાથી અમે આશ્ચર્યમાં મુકાયા છીએ. શું રિટર્નિંગ ઓફિસરે આ રીતે ચૂંટણી કરાવવાની હોય? સુપ્રીમ કોર્ટે રજિસ્ટ્રાર જનરલને કહ્યું છે કે ચૂંટણીના તમામ રેકોર્ડ તૈયાર રાખવામાં આવે. આ મામલે હવે સુપ્રીમ ૧૨મી ફેબુ્રઆરીએ સુનાવણી કરશે. અગાઉ આપની અરજી પર હાઇકોર્ટે આ મામલામાં રાહત આપવાની ના પાડી દીધી હતી, તેથી સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મામલામાં વચગાળાના આદેશની જરૂર હતી જે કરવામાં હાઇકોર્ટ નિષ્ફળ રહી છે.  

ચૂંડીગઢ મેયરની ચૂંટણી પૂર્ણ થઇ જતા ભાજપના ઉમેદવારને મેયર જાહેર કરી દેવાયા હતા, જેને પગલે ચૂંડીગઢ મ્યૂનિ.ની સાત તારીખે બેઠક યોજાવા જઇ રહી હતી. આ બેઠકને પણ સુપ્રીમ કોર્ટે મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ એક વીડિયો રજુ કરાયો હતો જેમાં રિટર્નિંગ ઓફિસર બેલેટ પેપર પર કઇંક કરતા જોઇ શકાય છે. આ વીડિયો અંગે ટિપ્પણી કરતા મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું હતું કે રિટર્નિંગ ઓફિસર કેમેરા સામે જઇ રહ્યા છે પછી બેલેટ પેપર સામે જુએ છે, તેઓ બેલેટ પેપર સાથે શું કરી રહ્યા હતા? તેઓ વારંવાર કેમેરા સામે કેમ જોઇ રહ્યા છે? શું તેઓ એ જોઇ રહ્યા છે કે તેમને કોઇ નિહાળી તો નથી રહ્યું ને? જેના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે એક તરફી ચિત્ર જોઇને કોઇ અભિપ્રાય આપવો યોગ્ય નહીં રહે. બાદમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તો અમારે સંપૂર્ણ વીડિયો જોઇએ છે, તમામ વીડિયો, ચૂંટણી પ્રક્રિયાના દસ્તાવેજો અને રેકોર્ડને રજુ કરવામાં આવે.

વોટ ચોર ભાજપના ફેક મેયર અને રિટર્નિંગ ઓફિસરને હટાવો : આપ

આમ આદમી પાર્ટીએ ચંડીગઢમાં ધરણા પ્રદર્શન શરૂ કરી દીધા હતા. ચંડીગઢના આપના ઇન્ચાર્જ સુન્ની આહલુવાલિયાએ કહ્યું હતું કે અમે વોટ ચોર ભાજપ સામે ઉપવાસ કરીશું, જ્યાં સુધી રિટર્નિંગ ઓફિસર અનિલ માસિહની ધરપકડ કરવામાં ના આવે અને ભાજપના ફેક મેયરને હટાવવામાં ના આવે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શનો શરૂ રહેશે.  સુપ્રીમ કોર્ટમાં આપના ઉમેદવારના વકીલ ડો. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે રિટર્નિંગ ઓફિસરે ભાજપના સમર્થનમાં કામ કર્યું અને મતો સાથે છેડછાડ કરીને આઠ મતને અયોગ્ય જાહેર કરી દીધા કે જેથી ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરી શકાય. આ રિટર્નિંગ ઓફિસરનો વીડિયો અને કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તેથી આ મામલામાં રિટર્નિંગ ઓફિસર સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. 


Google NewsGoogle News