મંદિર પર સરકારનું નિયંત્રણ સમાપ્ત કરવાની માંગ કરતી અરજી ફગાવાઈ, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું
સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાયને કહ્યું, તમે આવી માંગ સંસદ અથવા સરકાર સમક્ષ મુકી શકો છો, કોર્ટ સમક્ષ નહીં
SCએ કહ્યું, કોર્ટ આવી માંગણીને કેવી રીતે મંજુરી આપી શકે, તમે તમારી અરજી પરત ખેંચી લો.
નવી દિલ્હી, તા.18 ઓક્ટોબર-2023, બુધવાર
સુપ્રીમ કોર્ટે (Supreme Court) મંદિર પર સરકારનું નિયંત્રણ (Government Control On Temple) સમાપ્ત કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાય (Ashwini Upadhyay)ની અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, આ અરજી સુનાવણી માટે યોગ્ય નથી. કેન્દ્ર સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતા (Solicitor General Tushar Mehta)એ પણ આ અરજીનો વિરોધ કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ અશ્વિની ઉપાધ્યાયને એમ પણ કહ્યું છે કે, તમે આ માંગણી સંસદ અથવા સરકાર સમક્ષ મુકી શકો છો, કોર્ટ સમક્ષ નહીં. કોર્ટ આવી માંગણીને કેવી રીતે મંજુરી આપી શકે, તમે તમારી અરજી પરત ખેંચી લો.
અશ્વિની ઉપાધ્યાએ સુપ્રીમ કોર્ટમાં અરજીમાં કેમ કરી ?
વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાયે મંદિરો પર સરકારનું નિયંત્રણ સમાપ્ત કરવાની માંગ અંગેની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે અરજીમાં જણાવ્યું કે, હિંદુઓ, બૌદ્ધો, જૈનો અને શીખોને મુસ્લિમ, પારસી અને ખ્રિસ્તીઓની જેમ રાજ્યના હસ્તક્ષેપ વગર પોતાના ધાર્મિક સ્થળોનું સંચાલન કરવા માટે સમાન અધિકારો મળે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું ?
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે અશ્વિની ઉપાધ્યાયની અરજી પર કહ્યું કે, અરજી સુનાવણી માટે યોગ્ય નથી. તમે આ મામલે PIL કેવી રીતે દાખલ કરી શકો છો ? બીજીતરફ સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, અરજીકર્તા આ મામલે રજૂઆત કરી શકે છે, કારણ કે અરજીમાં સરકારને આદેશ આપવાની માંગ કરાઈ છે.
કોર્ટના વાંધા બાદ અરજી પાછી ખેંચી
ત્યારબાદ અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે, આ કેસને એવી રીતે સમજી શકાય છે કે, કાળકાજી મંદિરનું નિયંત્રણ સરકાર પાસે છે, પરંતુ જામા મસ્જિદનું નહીં, તે જ મુખ્ય મુદ્દો છે. જોકે મુખ્ય ન્યાયાધીશએ આ અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો તો અશ્વિની ઉપાધ્યાયે પોતાની અરજી પરત ખેંચી લીધી. ઉપાધ્યાયે આ સમગ્ર મામલે કહ્યું હતું કે, મંદિરો પર સરકારી નિયંત્રણ ધાર્મિક ભાવના સાથે ભેદભાવ છે. આના પર વિચાર કરવો જોઈએ અને સરકારે મંદિર પરથી પોતાનું નિયંત્રણ સમાપ્ત કરી દેવું જોઈએ.