Get The App

લોકસભાની ચૂંટણીમાં ઇવીએમ સાથે ચેડાની તપાસ કરવા સુપ્રીમમાં માગ

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
લોકસભાની ચૂંટણીમાં ઇવીએમ સાથે ચેડાની તપાસ કરવા સુપ્રીમમાં માગ 1 - image


- સુપ્રીમના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાનીમાં કમિટી રચવા માગ

- અગાઉ ન્યાયાધીશ ખન્નાની બેંચ દ્વારા ઇવીએમ-વીવીપેટનો ચુકાદો અપાયો હોવાથી તેમને આ મામલો સોંપાશે

નવી દિલ્હી : ગત લોકસભાની ચૂંટણીમાં મતદાન સમયે ઇવીએમ સાથે ચેડા થયાના આરોપોની તપાસ કરવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ હતી. અરજદાર વકીલે માગ કરી હતી કે આ સમગ્ર મામલાની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાનીમાં એક કમિટીનું ગઠન કરીને કરવામાં આવે. ઉપરાંત ચૂંટણી પંચે બેદરકારી દાખવી હોવાના દાવા સાથે તેની પણ તપાસ કરવાની માગ કરાઇ છે.  

વકીલ મેહમૂદ પ્રાચા દ્વારા આ અરજી કરવામાં આવી હતી, સોમવારે આ અરજીની સુનાવણી ન્યાયાધીશ સુર્ય કાંત અને ઉજ્જલ ભુયાનની બેંચ દ્વારા થવાની હતી. જોકે બેંચે નક્કી કર્યું હતું કે આ પહેલા ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાનીમાં બેંચ ગઠીત થાય તેણે આ મામલાની સુનાવણી કરવી જોઇએ કેમ કે તેમણે અગાઉ ઇવીએમ-વીવીપેટ અંગે ચુકાદો આપ્યો હતો. 

જેને પગલે બાદમાં મામલાને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. હવે ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાનીમાં ગઠીત બેંચ દ્વારા આ મામલે વધુ સુનાવણી કરવામાં આવશે. 

અરજદારે એવી માગણી કરી છે કે ઇવીએમના મેન્યૂઅલનો ભંગ થતો હોય તેની પણ એક યાદી તૈયાર કરવામાં આવે. મતદાન પૂર્વે અને બાદમાં ઇવીએમના સંપૂર્ણ સંચાલન દરમિયાન કોઇ પણ પ્રકારની ગડબડ થઇ હોય તો તેને રેકોર્ડમાં રાખવામાં આવે. આ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા કોઇ બેદરકારી દાખવવામાં આવી હોય તો તેને પણ રેકોર્ડ પર લેવામાં આવે. તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ઇવીએમને લઇને જે પણ ગેરરિતી સામે આવી તેની પણ તપાસ કરવામાં આવે, આ તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાનીમાં ગઠીત કમિટી દ્વારા કરવામાં આવે. અગાઉ સુપ્રીમ કોર્ટમાં ઇવીએમ-વીવીપેટ ડેટાના ૧૦૦ ટકા ક્રોસ વેરિફિકેશનની માગ કરતી અરજી કરાઇ હતી, તે સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઇવીએમ સાથે ચેડાને લઇને જે શંકાઓ ઉભી થઇ રહી છે તે નિરાધાર છે. 


Google NewsGoogle News