બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની મહિલા પંચની માગ, મમતાનું પુતળું બાળ્યુંં

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની મહિલા પંચની માગ, મમતાનું પુતળું બાળ્યુંં 1 - image


- સંદેશખલીમાં મહિલાઓ પર અત્યાચારનો વિવાદ વધ્યો

- મહિલા પંચ ભાજપની સ્ક્રિપ્ટ રટી રહ્યું છે : ટીએમસી પીએમ મોદી સંદેશખલીની મુલાકાત લે તેવી શક્યતા

કોલકાતા : પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં મહિલાઓ પર અત્યાચાર કરાઇ રહ્યો હોવાનો વિવાદ ઉગ્ર બની રહ્યો છે. અગાઉ ભાજપ અને કોંગ્રેસ નેતાઓએ આ વિસ્તારની મુલાકાત લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમને વચ્ચે અટકાવી દેવાયા હતા. એવામાં હવે કેન્દ્રીય મહિલા આયોગ દ્વારા પીડિત મહિલાઓના નિવેદન લેવાયા હતા. મહિલા આયોગના અધ્યક્ષે મમતા બેનરજીનું રાજીનામુ માગ્યું હતું, સાથે જ રાષ્ટ્રપતિ શાસનની માગણી કરી હતી. 

જ્યારે આ મામલે ભાજપે મુખ્યમંત્રી મમતા બેનરજી અને તેમના પક્ષ ટીએમસી સામે ધરણા પ્રદર્શનો શરૂ કરી દીધા છે. જ્યારે કેટલાક હિન્દુ સંગઠનો પણ પ્રદર્શન કરી રહ્યા છે. હિન્દુ જાગરણ મંચ દ્વારા રવિવારે સાકચી ગોલચક્કર પાસે વિરોધ પ્રદર્શન કર્યા હતા અને મમતા બેનરજીનું પુતળુ સળગાવવામાં આવ્યું હતું. જ્યારે અન્ય કેટલીક મહિલાઓ દ્વારા સંદેશખલી મુદ્દે પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. એવામાં દાવો કરાઇ રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત માર્ચના રોજ સંદેશખલીની મહિલાઓની મુલાકાત લઇ શકે છે.  સંદેશખલીમાં ટીએમસી નેતા શાજહાન શેખ પર આરોપ છે કે તેણે પોતાના ગુંડાઓની મદદથી હિન્દુ મહિલાઓ પર અત્યાચાર કર્યો અને તેમની જમીન પણ હડપી લીધી. અગાઉ ઇડીની ટીમ જ્યારે મની લોન્ડરિંગના એક કેસમાં તેની ધરપકડ કરવા ગઇ તો તેના પર શેખ અને તેમના સમર્થકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જ્યારે હવે સ્થાનિક મહિલાઓને લઇને તેના પર ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આશ્ચર્યની વાત છે કે સ્થાનિક મહિલાઓની ફરિયાદ છતા હજુસુધી શેખની ધરપકડ કરવામાં નથી આવી. એવા અહેવાલો છે કે જ્યારથી ઇડીની ટીમ પર હુમલો કર્યો ત્યારથી તે ફરાર છે. દરમિયાન સત્તાધારી ટીએમસીએ દાવો કર્યો છે કે મહિલા આયોગ ભાજપે લખેલી સ્ક્રીપ પોપટની જેમ રટી રહ્યા છે. જે પણ આરોપીઓ હતા તેમની ધરપકડ થઇ ચુકી છે.  


Google NewsGoogle News