હવે દિલ્હીની જામા મસ્જિદના પગથિયા ખોદવાની માગ ઊઠી, પુસ્તકને બનાવ્યો આધાર
Delhi Jama Masjid Survey: ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદ અને અજમેર શરીફ દરગાહને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હવે દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને પણ વિવાદ ઊભો થતો જોવા મળી રહ્યો છે. અજમેર શરીફ દરગાહની નીચે શિવ મંદિર હોવાનો દાવો કરી રહેલા હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ હવે દિલ્હીની જામા મસ્જિદને લઈને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ(ASI)નો સંપર્ક કર્યો છે. અજમેર શરીફની જેમ તેમણે એક પુસ્તકને પોતાના નવા દાવાનો આધાર બનાવ્યો છે.
જાણો શું છે મામલો
હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા 'માસીર-એ-આલમગિરી' નામની પુસ્તકમાં જે લખ્યું છે તેના આધારે જામા મસ્જિદના પગથિયાનો સર્વે કરવા માંગે છે. આ પુસ્તકમાં મુઘલ શાસક ઔરંગઝેબ(1658-1707)ના શાસનનું વિગતવાર વર્ણન છે. આ પુસ્તક સાકી મુસ્તાદ ખાન દ્વારા બાદશાહના મૃત્યુ પછી ઇનાયતુલ્લા ખાન કાશ્મીરીના કહેવા પર લખવામાં આવ્યું હતું, જે બાદશાહના છેલ્લા સચિવ હતા. વર્ષ 1679ની ઘટનાઓની વિગતો આપતા પુસ્તકમાં જામા મસ્જિદ વિશે જે લખવામાં આવ્યું છે તેના આધારે વિષ્ણુ ગુપ્તા ઇચ્છે છે કે પગથિયાઓ ખોદીને સત્ય જાણવા મળે.
'માસીર-એ-આલમગિરી' પુસ્તકમાં મે 1679ની ઘટનાનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે, '25મી મે 1679માં ખાન જહાં બહાદુર જોધપુરથી આવ્યો, મંદિરો તોડી નાખ્યા અને બળદગાડામાં મૂર્તિઓ સાથે લાવ્યા. તે સમ્રાટને બતાવવામાં આવી હતી. સમ્રાટે ખાન જહાં બહાદુર જેમણે ખૂબ પ્રશંસા કરી હતી અને આદેશ આપ્યો હતો કે મોટાભાગે સોના, ચાંદી અને તાંબા અથવા પથ્થરથી શણગારેલી મૂર્તિઓ જામા મસ્જિદના પગથિયાં પર દાટી દેવામાં આવે.'
વિષ્ણુ ગુપ્તાએ એએસઆઇને પત્ર લખ્યો
વિષ્ણુ ગુપ્તાએ એએસઆઇના ડાયરેક્ટરને પત્ર લખ્યો છે. જેમાં લખ્યું કે, 'મુઘલ શાસકે હિન્દુઓનું અપમાન કરવા માટે સીડીઓમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ દાટી હતી. મસ્જિદ એએસઆઇના નિયંત્રણમાં છે અને તેમને આવા સ્થળોનો સર્વે કરીને સત્ય જાણવાનો અધિકાર છે. મસ્જિદની સીડીઓ નીચે મંદિરો અને મૂર્તિઓના અવશેષો છે. આનાથી અમારી ભાવનાઓને ઠેસ પહોંચી છે. સર્વે કરાવ્યા બાદ મૂર્તિઓને બહાર કાઢીને મંદિરોમાં પુનઃસ્થાપિત કરવામાં આવે અને ઔરંગઝેબનું સત્ય દુનિયા સમક્ષ ઉજાગર કરવામાં આવે.'