દિલ્હીની તમામ પ્રાથમિક શાળામાં ઓનલાઈન ક્લાસ, વધતાં પ્રદૂષણ વચ્ચે CM આતિશીનો નિર્ણય
Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ સતત વણસી રહી છે. દિલ્હીમાં, ગુરુવારે (14 નવેમ્બર) સવારે સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ 430 નોંધાયો હતો, જે ગંભીર શ્રેણીમાં આવે છે. તેને જોતા દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. દેશની રાજધાનીમાં હવે તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઈન ક્લાસ ચલાવવામાં આવશે. મુખ્યમંત્રી આતિશીએ જણાવ્યું કે, નવા આદેશો અપાય ત્યાં સુધી દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓ ઓનલાઈન માધ્યમ દ્વારા જ બાળકોને શિક્ષણ પ્રદાન કરશે.
પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચતા નિર્ણય લેવાયો
રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા ગુરુવારે સતત બીજા દિવસે 'ગંભીર' કેટેગરીમાં રહી હતી, જેના કારણે સત્તાવાળાઓએ પ્રદૂષણ વિરોધી કડક પગલાં લાદવાનું સૂચન કર્યું હતું. જે પછી સેન્ટ્રલ એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ ગુરુવારે દિલ્હી-નેશનલ કેપિટલ રિજન (NCR) માં જીઆરએપી ફેઝ-3 હેઠળ નિયંત્રણો લાદ્યા છે. આ નિયંત્રણો શુક્રવારથી અમલમાં આવશે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં સિઝનનો સૌથી પ્રદૂષિત દિવસ : એક્યુઆઇ પ્રથમ વખત ગંભીર શ્રેણીમાં
CM આતિશીએ આપ્યું નિવેદન
દિલ્હીનાં મુખ્યમંત્રી આતિશીએ એક્સ પર લખ્યું કે, 'વધતા પ્રદૂષણને કારણે, દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓ આગળની સૂચનાઓ સુધી ઑનલાઇન વર્ગો ચલાવશે. સીએક્યૂએમએ ગ્રેડ્યુઅલ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના ત્રીજા તબક્કા હેઠળ કેટલાક નિયંત્રણો લાદ્યા છે, જેમાં બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે.'
AQI ગંભીર શ્રેણીમાં પહોંચ્યો
સેન્ટ્રલ પોલ્યુશન એન્ડ કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, ગુરુવારે સવારે 7:15 વાગ્યા સુધી રાજધાની દિલ્હીમાં સરેરાશ AQI 430 પોઈન્ટ નોંધાયો હતો. જે ગંભીર શ્રેણીમાં આવે છે. જ્યારે દિલ્હી NCR શહેર ફરીદાબાદમાં એક્યૂઆઇ સ્કોર 284 નોંધાયો હતો, તેમજ ગુરુગ્રામમાં 309, ગાઝિયાબાદમાં 375, ગ્રેટર નોઇડામાં 320 અને નોઇડામાં 367 સ્કોર નોંધાયો હતો.
આ પણ વાંચોઃ દિલ્હી મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય, માત્ર ત્રણ મતથી ભાજપની હાર