Get The App

દિલ્હીના યુવકે બ્રાઝિલિયન મોડેલ બની ડેટિંગ એપથી 700 યુવતીઓને ફસાવી

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
દિલ્હીના યુવકે બ્રાઝિલિયન મોડેલ બની ડેટિંગ એપથી 700 યુવતીઓને ફસાવી 1 - image


- નોઇડાની કંપનીમાં કામ કરતો તુષાર અનેક યુવતીને શિકાર બનાવી ચુક્યો છે

- ફેક પ્રોફાઇલથી મિત્ર બનતો, યુવતીઓ પાસેથી અંગત તસવીરો-વીડિયો મંગાવતો, બાદમાં બ્લેકમેઇલ કરતો

- રૂપિયા ના આપે તે યુવતીની તસવીરો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો, દિલ્હી પોલીસે ઝડપી પાડયો

- બમ્બલ પર 500 જ્યારે સ્નેપચેટ-વોટ્સએપ પર 200 યુવતીઓને જાળમાં ફસાવી, પોલીસને 13 ક્રેડિટ કાર્ડ પણ મળ્યા 

નવી દિલ્હી : ડેટિંગ એપ પર અનેક ફ્રોડ ચાલી રહ્યા છે, આવુ જ એક ફ્રોડ કે છેતરપિંડીની ઘટના દિલ્હીમાં સામે આવી છે. દિલ્હી પોલીસે એક ૨૩ વર્ષના યુવકની ધરપકડ કરી છે. આ યુવકે પોતાની મૂળ ઓળખ છુપાવીને પોતાને વિદેશી મોડલ બતાવી ઓનલાઇન અનેક યુવતીઓને ફસાવી હતી. યુવતીઓ સાથે દોસ્તી કર્યા બાદ તેની ગુપ્ત તસવીરો કે વીડિયો મંગાવતો હતો, જે મળી ગયા બાદ યુવતીઓ પાસેથી રૂપિયા માગતો હતો, જો રૂપિયા ના આપે તો તસવીરો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. 

દિલ્હી પોલીસે તુષાર બિષ્ટ નામના આરોપીની ધરપકડ કરી હતી, તપાસમાં સામે આવ્યું છે કે તુષાર બમ્બલ, સ્નેપચેટ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને ૧૮થી ૩૦ વર્ષીય યુવતીઓનો સંપર્ક કરતો હતો, શરૂઆતમાં તુષાર આ યુવતીઓની સાથે કલાકો સુધી ચેટિંગ કરતો હતો અને તેને પોતાની મિત્ર બનાવી લેતો હતો. મિત્ર બનાવ્યા બાદ યુવતીઓની સાથે પ્રેમ સંબંધમાં આગળ વધતો હતો અને પછી તેમની પાસેથી અંગત તસવીરો અને વીડિયો મંગાવતો હતો. આ તસવીરો-વીડિયો આવી ગયા બાદ ખંડગણી માગતો અને બ્લેકમેઇલ કરતો હતો. 

યુવક ઓનલાઇન એપ્લિકેશનમાં એકાઉન્ટ બનાવવા તેમજ યુવતીઓનો સંપર્ક કરવા માટે એક વર્ચ્યુઅલ આંતરરાષ્ટ્રીય નંબરનો ઉપયોગ કરતો હતો, પોતાની ઓળખ છુપાવીને પોતાને એક બ્રાઝિલિયન મોડેલ બતાવતો હતો, પોતાની પ્રોફાઇલમાં આ મોડેલની તસવીરો પણ લગાવતો હતો. યુવતીઓને પ્રોફાઇલ ફેક ના લાગે તે માટે સતત સોશિયલ મીડિયા પર  એક્ટિવ રહેતો હતો અને પોસ્ટ પણ કરતો હતો. શરૂઆતમાં માત્ર મિત્રતા માટે આવુ કરતો બાદમાં તે યુવતીઓને બ્લેકમેઇલ કરતો ગયો અને રૂપિયા પડાવવા લાગ્યો. આવી જ છેતરપિંડીનો ભોગ બનેલી એક યુવતી પોલીસની મદદ લેવા ગઇ ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો. યુવતીએ ડરના માર્યા પહેલા રૂપિયા આપી દીધા પરંતુ યુવકે વધુ રૂપિયા માગ્યા જેને કારણે અંતે તેણે હિમ્મત રાખીને પોલીસની મદદ લીધી હતી.  

ધરપકડ કરાયેલા યુવકની તપાસમાં સામે આવ્યું છે કે તેણે બમ્બલ પર ૫૦૦ જ્યારે સ્નેપચેટ અને વોટ્સએપના માધ્યમથી ૨૦૦થી વધુ યુવતીઓનો સંપર્ક કર્યો હતો અને તેમની સાથે સતત ચર્ચા કરતો રહેતો હતો. યુવકના મોબાઇલમાં યુવતીઓના અંગત વીડિયો અને તસવીરો પણ મળી આવ્યા છે. એટલુ જ નહીં તેની પાસેથી વિવિધ બેંકો સાથે જોડાયેલા ૧૩ ક્રેડિટ કાર્ડ પણ જપ્ત કરાયા છે. પોતાની ઓળખ મૂળ અમેરિકન અને ભારતની મુલાકાતે આવેલા મોડેલ તરીકે આપી હતી. ધરપકડ કરાયેલો યુવક મૂળ શંકરપુર વિસ્તારમાં રહેતા પરિવાર સાથે જોડાયેલો છે. એટલુ જ નહીં તેણે બીબીએ પણ કરેલુ છે અને નોઇડામાં એક કંપનીમાં છેલ્લા ત્રણ વર્ષથી ટેક્નીકલ રિક્રૂટર તરીકે કામ કરતો હતો. સાઇડમાં તે યુવતીઓને ફસાવતો હતો.


Google NewsGoogle News