દિલ્હીમાં ટ્રાફિક પોલીસે સ્પાઈડરમેનનો મેમો ફાડ્યો, કારના બોનેટ પર બેસીને ફરવા બદલ 26000 દંડ

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
દિલ્હીમાં ટ્રાફિક પોલીસે સ્પાઈડરમેનનો મેમો ફાડ્યો, કારના બોનેટ પર બેસીને ફરવા બદલ 26000 દંડ 1 - image


Delhi Traffic police  issued challan spider: દિલ્હીના દ્વારકામાં સ્કોર્પિયોના બોનેટ પર બેસીને સ્પાઈડર મેનનો વેશ ધારણ કરીને ફરતો એક યુવક જોવા મળ્યો હતો. ત્યાર બાદ દિલ્હી ટ્રાફિક પોલીસમાં તેની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ મળતાં જ દિલ્હી ટ્રાફિક પોલીસે તેના પર તાત્કાલિક કાર્યવાહી શરુ કરી હતી. ટ્રાફિક પોલીસની ટીમે તે સ્કોર્પિયો શોધી કાઢી હતી.

સ્પાઈડર મેન કોસ્ચ્યુમ પહેરેલા આ વ્યક્તિને દ્વારકાના રામપાલ ચોકમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. સ્પાઈડર મેન બનેલા આ 20 વર્ષીય યુવકની ઓળખ નજફગઢના રહેવાસી આદિત્ય તરીકે થઈ હતી. તેના પિતાનું નામ રોહિત છે. સ્કોર્પિયો ચલાવનાર યુવકની ઓળખ ગૌરવસિંહ દિનેશકુમાર તરીકે થઈ હતી. તે મહાવીર એન્ક્લેવમાં રહે છે. ગાડી ચલાવનાર ગૌરવની ઉંમર 19 વર્ષની બતાવવામાં આવી છે. 

ટ્રાફિક પોલીસે વસૂલ્યો રૂ.26 હજારનો દંડ

ટ્રાફિક પોલીસે વાહનના માલિક અને ડ્રાઇવર પર ખતરનાક રીતે ડ્રાઇવિંગ કરવું, સીટ બેલ્ટ ન બાંધવો અને પ્રદૂષણ પ્રમાણપત્ર ન હોવા બદલ  26,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત આ બંને છોકરાઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.

રસ્તા પર આવી બેદરકારી સહન કરવામાં આવશે નહીં

દિલ્હી ટ્રાફિક પોલીસે કહ્યું કે, રોડ સેફ્ટી હેઠળ લોકોની સુરક્ષા સુનિશ્ચિતને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. આ અંતર્ગત રસ્તાઓ પર આવી બેદરકારીને સાંખી લેવામાં નહીં આવે. જેનાથી લોકોના જીવ જોખમમાં મુકાય છે, તેથી આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સાથે ટ્રાફિક પોલીસે લોકોને અપીલ કરતાં કહ્યું કે, આ પ્રકારના ખતરનાક ડ્રાઇવિંગ કરનાર જોવા મળે તો તેની તાત્કાલિક પોલીસને જાણ કરો. શહેરમાં માર્ગ સલામતી અને સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે આવા કરતૂત કરનારા લોકો સામે ફરિયાદ કરવા કહ્યું હતું. અને આ પ્રકારના સ્ટંટ ન કરવા વિનંતી કરી હતી. 



Google NewsGoogle News