હવે વંદે ભારત ટ્રેનમાં સસ્તા ભાડામાં કાશ્મીર પણ જઈ શકાશે, PM મોદી કરી શકે છે મુસાફરી
Delhi-Kashmir Vande Bharat Express Train Project : કાશ્મીરને ભારતના અન્ય ભાગો સાથે જોડવા માટે લાંબા સમયથી ચાલી રહેલી કનેક્ટિવિટીની કામગીરી પૂર્ણ થવાની તૈયારીમાં છે અને હવે કેન્દ્ર સરકાર નવા વર્ષે દેશને મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. વાસ્તવમાં દિલ્હીને શ્રીનગર સાથે જોડતી રેલવે લાઇન જાન્યુઆરીમાં શરુ થવાની છે. આ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ જેવી લક્ઝરી ટ્રેનો દોડાવવાની તૈયારી છે. મળતાં અહેવાલો મુજબ વડાપ્રધાન મોદી દિલ્હીથી શ્રીનગર જનારી વંદે ભારત એક્સપ્રેસમાં સફર કરશે. પીએમ મોદી ઉદ્ઘાટનના દિવસે ટ્રેનમાં પ્રવાસ કરશે.
રૂટ પર ટ્રાયલ કામગીરી શરુ : ઉત્તર રેલવે
ઉત્તર રેલવેના મુખ્ય પ્રવક્તા હિમાંશુ શેખર ઉપાધ્યાયે આ અંગે માહિતી આપતાં કહ્યું કે, ‘હાલ અમે ટ્રાયલ પર કામ કરી રહ્યા છીએ.’ સૌથી મહત્ત્વની વાત એ છે કે, ભારતીય રેલવે કાશ્મીરને દેશના અન્ય ભાગો સાથે જોડવા માટે પૂરજોશમાં કામગીરી કરી રહી છે અને હવે કામગીરી પૂર્ણ થવાની તૈયારીમાં છે. આ રૂટ શરુ થયા બાદ ભારતીય રેલવે માટે આ એક મોટી સફળતા સાબિત થશે.
આ પણ વાંચો : દિવંગત પીએમ મનમોહન સિંહના અસ્થિ વિસર્જનમાં કોઈ મોટા કોંગ્રેસી નેતા કેમ ન ગયા? જાણો કારણ
ટેસ્ટિંગ માટે રૂટ પર ગૂડ્સ ટ્રેન દોડાવાઈ
ઉપાધ્યાયે કહ્યું કે, ‘કટરા અને રિયાસી વચ્ચે 17 કિલોમીટર રૂટ પરની કામગીરી લગભગ પૂરી કરી દેવાઈ છે. ટેસ્ટિંગ માટે રૂટ પર કાંકરીથી ભરેલી ગૂડ્સ ટ્રેન દોડાવાઈ રહી છે. અંજી નદી પર પણ તેને દોડાવાઈ છે. છેલ્લું પરિક્ષણ 15 જાન્યુઆરી પહેલા ઉત્તર સર્કલના સેફ્ટી કમિશ્નર તરફ કરવામાં આવશે. આ ઉપરાંત સૌથી પડકારજનક કામગીરી ટી-33 ટનલના નિર્માણની કામગીરી પણ પૂરી થઈ ગઈ છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી શ્રીનગર જનારી વંદે ભારતમાં સફર કરી શકે છે.
ટ્રેનનું ભાડું એર ટિકિટ કરતાં ઓછું હશે
રેલવે અધિકારીએ કહ્યું કે, ‘દિલ્હી-કાશ્મીર વચ્ચે રેલવે ટ્રેન શરુ થયા બાદ બહોળા પ્રમાણમાં પ્રવાસીઓ આવી શકશે. ટિકિટનું ભાડું એર ટિકિટની તુલનાએ ઘણું ઓછું છે. આવી સ્થિતિમાં મુસાફરોની સંખ્યામાં વધારો થવાની આશા છે. ઉલ્લેખનીય છે કે, કાંજીગુડા-બારામૂલા સેક્શન વચ્ચેના 118 કિલોમીટર લાંબા રૂટને વર્ષ 2009માં શરુ કરાયો છે. ત્યારબાદ બનિહાલ-કાજીગુંડ સેક્શનને 2013માં, પછી ઉધમપુરથી કટરા વચ્ચેના 25 કિલોમીટરના અંતરને જુલાઈ-2014માં શરુ કરાયો છે. આ ઉપરાંત આ વર્ષે ફેબ્રુઆરીમાં બનિહાલથી સાંગલદન રેલવે સ્ટેશન વચ્ચે ઇલેક્ટ્રિક ટ્રેનનું ટ્રાયલ કરાયું હતું.
મહત્ત્વની વાત એ છે કે, ઉધમપુર, શ્રીનગર અને બારામૂલા વચ્ચે વર્ષ 2005-06થી રેલવે લાઇનનું કામ શરુ કરાયું હતું. આ પ્રોજેક્ટના રૂટ પર કુલ 38 સુરંગો છે, જેમાં સૌથી લાંબા ટનલ ટી48ની 12.75 કિલોમીટર છે. આ દેશના નેટવર્કની સૌથી લાંબી સુરંગ છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટ હેઠળ કુલ 927 પુલ બનાવાયા છે.