Get The App

ભાજપ-આપ વચ્ચે CAGના લીક રિપોર્ટ મુદ્દે ઘમસાણ, 2000 કરોડનું નુકસાન થયાનો દાવો

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
BJP Vs AAP


Delhi Liquor Scam: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કથિત લિકર કૌભાંડ એક મોટો મુદ્દો બની ગયો છે. ભારતીય નિયંત્રક અને ઓડિટર જનરલ(CAG)ના અહેવાલને ટાંકીને, ભાજપે આમ આદમી પાર્ટી(AAP)ને ઘેરી છે. ભાજપનો દાવો છે કે લિકર પોલિસી કૌભાંડને કારણે દિલ્હીને 2 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. આ ઉપરાંત ઘણા આપના નેતાઓએ લાંચ પણ લીધી હતી. જો કે, આપે આ મુદ્દા પર વળતો પ્રહાર કર્યો છે અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પૂછ્યું કે, 'CAG રિપોર્ટ ક્યાં છે. આ દાવાઓ ક્યાંથી આવી રહ્યા છે.'

'લિકર કૌભાંડથી સરકારી તિજોરીને 2,026 કરોડ રૂપિયાનું નુકસાન'

અહેવાલો અનુસાર, ભાજપે CAGનો લીક થયેલો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા છે. લિકર કૌભાંડથી સરકારી તિજોરીને 2,026 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભાજપનો આરોપ છે કે, નીતિના અમલીકરણમાં ખામી રહી છે. આપ નેતાઓને પણ લાંચ મળી છે. દારૂ કૌભાંડને કારણે થયેલા નુકસાનનો આંકડો પહેલી વાર સામે આવ્યો છે.

ભાજપે દાવો છે કે એક યુનિટમાં ખોટ દેખાઈ હતી, છતાં તેનું લાઇસન્સ રિન્યુ કરવામાં આવ્યું હતું. લાઇસન્સ આપવામાં ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને સજા કરવામાં આવી ન હતી. કિંમત નિર્ધારણમાં પણ પારદર્શિતાનો અભાવ હતો. ઘણાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો પર કેબિનેટની મંજૂરી કે લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી લેવામાં આવી ન હતી.

AAP નેતા સંજય સિંહે શું કહ્યું?

લિકર કૌભાંડ અંગે ભાજપના દાવા પર AAP નેતા સંજય સિંહે જણાવ્યું હતું કે, 'આ CAG રિપોર્ટ ક્યાં છે? આ દાવાઓ ક્યાંથી આવી રહ્યા છે? શું આ ભાજપ કાર્યાલયમાં સુપરત કરવામાં આવ્યું હતું? ભાજપના નેતાઓએ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. એક તરફ તેઓ દાવો કરે છે કે CAG રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી, તો બીજી તરફ તેઓ આવા દાવા કરે છે?

રિપોર્ટ ગૃહના ટેબલ પર મૂકવો જોઈએ: ભાજપ

લીક થયેલા CAG રિપોર્ટ પર દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું હતું કે, 'શીશ મહેલ પર ખર્ચવામાં આવેલા પૈસા લિકર પોલિસીમાંથી આવ્યા હતા. તેમણે (AAP) વિધાનસભા સત્ર બોલાવવું જોઈએ. તેઓ તેને ગૃહના ટેબલ પર કેમ નથી મૂકી રહ્યા?'

ભાજપ-આપ વચ્ચે CAGના લીક રિપોર્ટ મુદ્દે ઘમસાણ, 2000 કરોડનું નુકસાન થયાનો દાવો 2 - image


Google NewsGoogle News