એક ઝગડો અને ચાકુ-પથ્થરના 40 ઘા મારીને સાક્ષીની કરી નાંખી હત્યા, હત્યારો સાહિલ ઝડપાયો
સાક્ષી અને સાહિબ બંને રિલેશનશિપમાં હોવાનો ખુલાસો : ઘટનાના આગલા દિવસે બંને વચ્ચે થયો હતો ઝઘડો
એક તરફ સાહિલ સગીરા પર ધડાધડ છરીના વાર કરતો, પથ્થરો ઝીંકતો હતો ને બીજી તરફ લોકો તમાશો જોતા રહ્યા
નવી દિલ્હી, તા.29 મે-2023, સોમવાર
દિલ્હી પોલીસે ચાકુ-પથ્થરના 40 ઘા મારીને સાક્ષીની હત્યા કરનાર આરોપી સાહિલની ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી ધરપકડ કરી છે. સાહિલ દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં સાક્ષી નામની સગીરાને ચાકુ-પથ્થરના ઘા ઝીકીને ફરાર થઈ ગયો હતો.
આરોપી હુમલો કરતો રહ્યો ને લોકો તમાશો જોતા રહ્યા
દિલ્હીમાં સગીરાની જાહેરમાં નિર્દયતાથી હત્યાની ઘટના બાદ રાજધાની શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયું છે. આ ઘટના બની ત્યારે લોકો તમાશો જોઈ રહ્યા હતા. આ ઘટનાની તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ સૌકોઈ ફફડી ગયું છે. આ તસવીરો અને વીડિયો જોઈ સવાલ ઉઠી રહ્યા છે કે, રાજધાનીના લોકો કેટલા સંવેદનહીન બની ગયા છે. રસ્તાની વચ્ચે, લોકોની સામે, એક યુવક પહેલા છોકરી પર છરીથી હુમલો કરે છે, તેના માથામાં પથ્થરોના ઘા મારે છે... અને આ ઘટના દરમિયાન લોકો ત્યાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે. આ ઘટના રાજધાનીના શાહબાદ ડેરી વિસ્તારની છે. આરોપી સાહિલે જે રીતે 16 વર્ષની છોકરીની છરી અને પથ્થરો વડે હત્યા કરી છે તેનાથી ફરી એકવાર દિલ્હી શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયું છે.
સાક્ષી અને સાહિલ રિલેશનશિપમાં હતા
આ ખોફનાક હત્યા અંગે દિલ્હી પોલીસે જણાવ્યું કે, સાક્ષી અને સાહિલ રિલેશનશિપમાં હતા. ઘટનાના આગલા દિવસે બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડા બાદ સાહિલે સાક્ષીને મારવાનું મન બનાવી લીધું હતું... સાહિલ સગીરા પર ચાકુથી હુમલો કર્યો ત્યારે સાક્ષીને ભાગવાની કે બચવાની કોઈ તક મળી ન હતી.