જેલમાં જ રહેશે કેજરીવાલ, સુપ્રીમ કોર્ટની ઈડીને નોટિસ, રાઉઝ એવન્યૂ કોર્ટે પણ કસ્ટડી વધારી
Delhi Liquor Policy Scam: દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ની ધરપકડને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે (સોમવાર) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસે જવાબ માગ્યો છે. કોર્ટે 24 એપ્રિલ અથવા તે પહેલા જવાબ દાખલ કરવા જણાવ્યું છે. કોર્ટ આ મામલે 29મી એપ્રિલે ફરી સુનાવણી કરશે. તો બીજી તરફ દિલ્હી રાઉસ એવન્યુ કોર્ટ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 23મી એપ્રિલ સુધી લંબાવી દીધી છે.
અભિષેક મનુ સિંઘવીની દલીલ પર સુપ્રીમકોર્ટે શું કહ્યું...?
સુપ્રીમકોર્ટમાં કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી અને ED વતી સોલિસિટર જનરલે દલીલો રજૂ કરી હતી. સિંઘવીએ કોર્ટને કહ્યું કે હું તમારી સમક્ષ કેટલાક ચોંકાવનારા તથ્યો રજૂ કરવા માંગુ છું. તેના પર કોર્ટે કહ્યું કે અમને નોટિસ જારી કરવા દો. સિંઘવીએ કહ્યું કે સુનાવણીની તારીખ આ શુક્રવાર માટે રાખવામાં આવે. તેના પર કોર્ટે કહ્યું કે અમે તમને નજીકની તારીખ આપી શકીએ છીએ, પરંતુ તમારા દ્વારા સૂચવવામાં આવેલી તારીખ નહીં. સિંઘવીએ કહ્યું કે કેજરીવાલને ચૂંટણી પ્રચાર કરતા રોકવા માટે જ ધરપકડ કરવામાં આવી છે. આ પછી કોર્ટે કહ્યું કે અમે આ મહિનાના અંતિમ સપ્તાહમાં સુનાવણી કરીશું.
રાઉઝ એવન્યૂ કોર્ટમાં શું થયું...?
બીજી બાજુ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સોમવારે સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી વધારી દીધી. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ આ આદેશ આપ્યો હતો. કોર્ટે વધુમાં નિર્દેશ આપ્યો છે કે કેજરીવાલને 23 એપ્રિલે પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવે.