દિલ્હીમાં કોચિંગ સેન્ટરની દુર્ઘટનાનો મુખ્ય સચિવે તપાસ રિપોર્ટ સોંપ્યો, ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
દિલ્હીમાં કોચિંગ સેન્ટરની દુર્ઘટનાનો મુખ્ય સચિવે તપાસ રિપોર્ટ સોંપ્યો, ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા 1 - image


Delhi Rao Coaching Center Tragedy : દિલ્હીના રાવ કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. મુખ્ય સચિવના રિપોર્ટ મુજબ આ સંસ્થાએ જ આખી ડ્રેનેજ સિસ્ટમને બ્લોક કરી દીધી હતી. આ ઉપરાંત સંસ્થાએ સુરક્ષા તેમજ બચાવ માટે કોઈપણ વ્યવસ્થા કરી નહતી.

કોચિંગ સેન્ટરે તમામ નિયમોના ઉડાવ્યા ધજાગરા

દિલ્હી સરકારેને સોંપાયેલા રિપોર્ટ મુજબ, કોચિંગ સંસ્થાએ ગટરને ઉપરથી બંધ કરી દીધી હતી. સંસ્થાના પાર્કિંગ સ્થળની જગ્યા સીધા જ રસ્તા તરફ જાય છે, જેના કારણે ભારે વરસાદ વખતે રસ્તા પર આવતું પાણી ગટરમાં જવાના બદલે સીધું પાર્કિંગ સ્થળમાં ભરાય છે. અહીં સુરક્ષા સ્ટાફની પણ વ્યવસ્થા નથી. જો સ્ટાફ હોત તો ઘટના સમયે સાવધાની રાખી શકાઈ હોત અને વિદ્યાર્થીઓનો જીવ બચી શક્યો હતો. રિપોર્ટમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ને પણ સાણસામાં લઈ જણાવાયું છે કે, બિલ્ડિંગની બહાર દબાણો અને પાર્કિંગમાંથી રસ્તા પર જવાના ગેરકાયદે રસ્તાના કારણે વરસાદનું પાણી ગટરમાં જઈ શક્યું નથી.

આ પણ વાંચો : દેશમાં ઉત્તરથી-દક્ષિણ સુધી ભારે વરસાદની આગાહી, 20 રાજ્યોમાં એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ

લાઈબ્રેરી માટે મસમોટી ફી

સિવિલ સર્વિસની તૈયારી કરનરા વિદ્યાર્થિની અને વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે, ઓલ્ડ રાજેન્દ્ર નગર અને આજુબાજુના વિસ્તારોમાં આવેલી લાઈબ્રેરીમાં ફી બમણી કરવામાં આવી છે. પહેલા મહિને બે હજાર રૂપિયા ફી લેવાતી હતી અને હવે ચારથી પાંચ હજાર રૂપિયા ફી માંગી રહ્યા છે.

NHRCની દિલ્હી સરકાર, કોર્પોરેશન કમિશનરને નોટિસ

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે (NHRC) રાવ કોચિંગ સેન્ટરના કેસમાં દિલ્હી સરકાર, પોલીસ તેમજ કોર્પોરેશનના કમિશનર નોટિસ પાઠવી છે, જેમાં આયોગે ત્રણ સપ્તાહમાં રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. આ ઉપરાંત સંસ્થાઓ વિરુદ્ધની પેન્ડીંગ ફરિયાદો અને સંબંધિત વિભાગો દ્વારા કરાયેલી કાર્યવાહીની પણ વિગતો મંગાઈ છે.

આ પણ વાંચો : ઈઝરાયલે લીધો મોટો બદલો, બે દેશોમાં ઘૂસી હમાસના વડા અને હિઝબુલ્લાહના કમાન્ડરને કર્યા ઠાર

આજે હાઈકોર્ટમાં સુનાવણી

આ કેસની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરતી PILની સુનાવણી બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં કાર્યકારી ચીફ જસ્ટિસ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેંચ દ્વારા કરાશે. કુટુમ્બ નામની સંસ્થાએ આ પીઆઈએલ દાખલ કરી છે. અરજીમાં દિલ્હી સરકાર, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીને પક્ષકાર બનાવાયા છે.


Google NewsGoogle News