દર્દીઓ પાસે લાંચ લેવાના રેકેટમાં CBIની મોટી કાર્યવાહી, બે ડૉક્ટરો સહિત નવ લોકોની કરી ધરપકડ
Corruption Case : દિલ્હીના રામ મનોહર લોહિયા (Ram Manohar Lohia Hospital) હોસ્પિટલમાં એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ દર્દીઓ પાસેથી લાંચ લેવાના કેસનો ભાંડો ફોડી બે ડૉક્ટરો સહિત નવ લોકોની ધરપકડ કરી છે. લાંચીયા ડૉક્ટરો અને વચેટીયાઓ દર્દીઓને વહેલી સારવાર આપવા અને શ્રેષ્ઠ સુવિધા આપવાના નામે પૈસા લૂંટતા હતા.
લાંચ લેવાની મોડસ ઓપરેન્ડી શું હતી ?
દિલ્હીની સૌથી મોટી કહેવાતી રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારની પાંચ રીતો હતી, જેમાં લાંચ લઈને દર્દીઓને એડમિશન અપાતું હતું તેમજ નકલી તબીબી પ્રમાણપત્ર આપવા જેવી બાબતો સામેલ છે. CBIને માહિતી મળી હતી કે, હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના ડો.પર્વતગૌડા અને અન્ય ડોક્ટર અજય રાજખુલ્લેઆમ લાંચ માંગી રહ્યા છે. આમાં એવા પણ આક્ષેપો કરાયા છે કે, આ તમામ લાંચીયાઓ હોસ્પિટલમાં આવશ્યક સાધનો સપ્લાય કરતી કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા દર્દીઓ પાસેથી પ્રત્યક્ષ અને આડકતરી રીતે નાણાંની વસૂલી કરતા હતા.
CBIએ આ લોકોની કરી ધરપકડ
સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા બે ડોક્ટરોમાં કાર્ડિયોલોજી વિભાગના મદદનીશ પ્રોફેસર ડૉ.પર્વતગૌડા અને તે જ વિભાગના અન્ય ડૉ.અજય રાજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હોસ્પિટલના સિનિયર ટેકનિકલ ઈન્ચાર્જ રજનીશ કુમાર, ક્લાર્ક ભુવલ જયસ્વાલ અને સંજય કુમાર, નર્સ શાલુ શર્મા, નરેશ નાગપાલ, ભરતસિંહ દલાલ, અબરાર અહેમદ, આકર્ષણ ગુલાટી, મોનિકા સિન્હા અને અન્યો આરોપી સીબીઆઈએ સકંજો કસ્યો છે.