દિલ્હીમાં મેઘ તાંડવ: વરસાદે 88 વર્ષનો રેકૉર્ડ તોડ્યો, જાણે રસ્તા પર નદીઓ વહી, જુઓ ભયાવહ તસવીરો
Delhi Rain : દેશભરના ઘણા રાજ્યોમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. દિલ્હીમાં પણ મેઘરાજા કોપાયમાન થયા હોય તેવી સ્થિતિ સામે આવી છે. રાજધાનીના લોકો ઘણા સમયથી અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે આજે સવારથી ભારે વરસાદ પડવાના કારણે ઘણા સ્થળોએ લોકો મુશ્કેલીમાં મુકાયા હોય તેવી તસવીરો સામે આવી છે. અહીં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગઈ છે, અંડરપાસમાં પાણી ભરાવના કારણે વાહનો ફસાયા છે. એટલું જ નહીં છેક નેશનલ હાઈવે સુધી પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સફદરગંજના વરસાદે 1936ની યાદ અપાવી
સફદરગંજ 24 કલાકનો સૌથી વધુ વરસાદ વર્ષ 1936માં 28મી જૂને 235.5 મિમી વરસાદ નોંધાયો હતો, ત્યારે આજે ફરી સફદરગંજવાસીઓને 1936ની યાદ અપાવતો વરસાદ ખાબક્યો છે અને અહીં 228.1 મિમી વરસાદ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ અત્યાર સુધીનો બીજો સૌથી મોટો આંકડો છે.
એરપોર્ટ પર છત તૂટતાં એકનું મોત, 2 ઈજાગ્રસ્ત
બીજીતરફ વરસાદ વચ્ચે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગંભીર ઘટના બની છે. અહીં એરપોર્ટ પર ટર્મિનલ-1ની છત તૂટતાં એકનું મોત અને બે ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ ટર્મિનલ પર બપોર 2.00 વાગ્યા સુધીની તમામ ફ્લાઈટો અટકાવી દેવાઈ હતી.
ખરાબ હવામાનના કારણે 28 ફ્લાઈટો રદ
બીજીતરફ મોડી રાત્રે ખરાબ હવામાનના કારણે દિલ્હીથી જતી 16 અને દિલ્હી આવતી 12 ફ્લાઈટો દદ કરવાવામાં આવી છે. આ ઉપરાંત રાજધાનીના ઘણા રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ જવાના કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. ટર્મિનલ-3 તરફના મેહરામ નગર અંડપાસમાં પાણી ભરાઈ ગયાના પણ અહેવાલ સામે આવ્યા છે.