પ્રદૂષણે દિલ્હીને બાનમાં લીધું, GRAP-4 લાગુ કરવાની નોબત આવી, આ કામગીરી પર લગાવાયો પ્રતિબંધ

દિલ્હી સરકારે GRAP-3 લાગુ કર્યા બાદ આજે GRAP-4 લાગુ કરવાની જાહેરાત કરી

આજે દિલ્હીનો AQI 454 નોંધાયો : બાળકો, વૃદ્ધો, બિમારી ધરાવતા વ્યક્તિઓ બહાર નિકળવાનું ટાળે

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
પ્રદૂષણે દિલ્હીને બાનમાં લીધું, GRAP-4 લાગુ કરવાની નોબત આવી, આ કામગીરી પર લગાવાયો પ્રતિબંધ 1 - image

નવી દિલ્હી, તા.05 નવેમ્બર-2023, રવિવાર

પ્રદૂષણને દિલ્હી (Delhi Pollution)ને બાનમાં લીધું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજધાનીમાં દિવસે ને દિવસે પ્રદૂષણ એટલી હદે વધી રહ્યું છે કે, રોજબરોજ નવા નિયમો અને પ્રતિબંધોની જાહેરાત કરવાની નોબત આવી ગઈ છે. ત્યારે દિલ્હી સરકારે GRAP-3 લાગુ કર્યા બાદ આજે GRAP-4 લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નિયમ લાગુ કરાયા બાદ જાણે દિલ્હીનો વિકાસ સંપૂર્ણ અટકી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) રાજધાનીમાં ગ્રેપ (Graded Response Action Plan)નો ચોથા તબક્કાનો નિયમ લાગુ કરી દીધો છે. CAQMની ઉચ્ચ સમિતિએ દિલ્હીમાં પ્રદૂષણને ડામવા આજે મહત્વનો નિર્મય લીધો છે. સમિતિએ ગ્રેપ-1, 2, 3 હેઠળના તમામ નિયમો લાગુ કર્યા બાદ હવે આખા NCRમાં તાત્કાલીક અસરથી ગ્રેપ-4 લાગુ કરી દીધો છે, જે હેઠળ 8 સૂત્રની કાર્ય યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

GRAP-4માં શું લેવાયો નિર્ણય ?

  1. રાજધાની દિલ્હીમાં તમામ LNG, CNG, ઈલેક્ટ્રિક ટ્રક સિવાયની જીવનજરૂરી ચીજવસ્તુઓ લઈ જતી ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
  2. ઈલેક્ટ્રીક વ્હિકલ, CNG, BS-VI ડીઝલ ઉપરાંત દિલ્હીની બહાર રજીસ્ટ્રેડ નાના વાહનોને દિલ્હીમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. માત્ર જીવનજરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ આપતા વાહનોને જ પ્રવેશ અપાશે.
  3. રાજધાનીમાં રજીસ્ટ્રેડ મધ્યમ અને ભારે ડીઝલ માલસામાનના વાહનોના કામકાજ અને એન્ટ્રી પર પ્રતિબંધ રહેશે. માત્ર જીવનજરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ આપતા વાહનોને જ પ્રવેશ અપાશે.
  4. હાઈવે, રોડ, ફ્લાયઓવર, ઓવરબ્રિજ, પાવર ટ્રાન્સમિશન લાઈનો, પાઈપલાઈન જેવા જાહેર પ્રોજેક્ટમાં બાંધકામ અને મેઈન્ટેન્સની કામગીરી પર પ્રતિબંધ લગાવાયો છે.
  5. દિલ્હી સરકાર ધો.6, ધો.9 અને ધો.11માંના ફિજિકલ ક્લાસ બંધ કરવાનો નિર્ણય લઈ શકે છે અને તેને માત્ર ઓનલાઈન મોડમાં અભ્યાસ કરાવવાનો નિર્ણય લઈ શકે છે.
  6. દિલ્હી સરકાર જાહેર અને ખાનગી કચેરીઓમાં 50 ટકા હાજરી સાથે કામ કરવા અને બાકીના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરાવવાનો નિર્ણય લઈ શકે છે.
  7. કેન્દ્ર સરકાર તેમની ઓફિસમાં કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની મંજૂરી આપવા માટે યોગ્ય નિર્ણય લઈ શકે છે.
  8. રાજ્ય સરકારો ઈમરજન્સી પગલા ભરવાનો વિચાર કરી શકે છે, જેમાં કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, બિન-ઇમરજન્સી વ્યાપારી સંસ્થાઓને બંધ કરવા સહિતની બાબતો સામેલ છે. ઉપરાંત વાહનો માટે ઓડ-ઈવન યોજના લાગુ કરી શકે છે.

ગોપાલ રાયે વિવિધ વિભાગોની બેઠક બોલાવી

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે વધતા પ્રદૂષણ અને ગ્રેપ-4 લાગુ કરવા મુદ્દે આવતીકાલે વિવિધ વિભાગોની બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે. આ બેઠક દિલ્હી સચિવાલયમાં બપોરે 2.00 કલાકે યોજાશે. બેઠકમાં ટ્રાન્સપોર્ટ, એજ્યુકેશન, MCD, NDMC, DCB, મહેસૂલ, દિલ્હી પોલીસ, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિના અધિકારીઓ સામેલ હશે.

CAQMની અપીલ, ‘કામ વગર બહાર ન નિકળશો’

સીએક્યૂએમએ એનસીઆરના નાગરિકોને ગ્રેપના નિયમોનું પાલન કરવા સહોયગ આપવા અપીલ કરી છે. CAQMએ કહ્યું કે, બાળકો, વૃદ્ધો, અને શ્વાસ, હૃદય, મગજ સહિતની બિમારી ધરાવતા વ્યક્તિઓ બહાર નિકળવાનું ટાળે તેમજ બને ત્યાં સુધી ઘરમાં રહેવાનો આગ્રહ રાખે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના ડેઈલી બુલેટિન મુજબ આજે દિલ્હીના એર ક્વોલિટી ઈન્ડેક્શ સરેરાશ 454 નોંધાયો છે.

ગઈકાલે GRAP-3 લાગુ કરાયો હતો

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે (Environment Minister Gopal Rai) ગઈકાલે ગ્રેપ-3 (Grape 3) લાગુ કરવાનો નિર્ણય કર્યો હતે, જે મુજબ 14 કામો પર પ્રતિબંધ લગાવ્યો છે, જેમાં • બાંધકામ અને બિલ્ડીંગ સંચાલન સહિત તમામ નિર્માણ કાર્યો પર પ્રતિબંધ • બોરિંગ ડ્રિલિંગ કામગીરી સહિત ખોદકામ અને ભરવા માટેના માટીકામ પર પ્રતિબંધ • ઓપન ટ્રેચ સિસ્ટમ દ્વારા ગટર લાઇન, પાણીની લાઇન, ડ્રેનેજ કામ અને ઇલેક્ટ્રિક કેબલ નાખવા પર પ્રતિબંધ • રોડ અને ફુટપાથ બનાવવાની કામગીરી, સમારકામ પર પ્રતિબંધ તેમજ આ કામમાં બોરિંગ ડ્રિલિંગ કામગીરી સહિત ખોદકામ અને ભરવા માટેના માટીકામ પર પ્રતિબંધ • વોટરપ્રૂફિંગ કામો પર પ્રતિબંધ • પેઇન્ટિંગ અને પોલિશિંગ કામો પર પ્રતિબંધ • ડિમોલિશનના કામો પર પ્રતિબંધ • પાઈલિંગ કામો પર પ્રતિબંધ • ટાઇલ્સ, પત્થરો અને અન્ય ફ્લોરિંગ પ્રોડક્ટને તોડવા તેમજ તેના સમારકામ કરવા પર પ્રતિબંધ • બહાર નોંધાયેલા હળવા કોમર્શિયલ વાહનો તેમજ ડીઝલથી ચાલતા ટ્રકો અને ભારે માલસામાનના વાહનોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવાયો છે.

ગ્રેપ એટલે શું ?

એર ક્વોલિટી ઈન્ડેક્સ ખરાબ થાય ત્યારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) લાગુ કરવામાં આવે છે. આ એક ઈમરજન્સી પ્લાન છે અને તને પ્રદૂષણ પર કાબુ મેળવવા માટે લાગુ કરવામાં આવે છે. ગ્રેપના ચાર તબક્કા હોય છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ 201-301 હોય ત્યારે ગ્રેપ-1 લાગુ કરવામાં આવે છે, જ્યારે 301-400 AQI માટે ગ્રેપ-2 અને 401-450 AQI માટે ગ્રેપ-3, જ્યારે એર ક્વોલિટી ઈન્ડેક્સ 450-500 હોય ત્યારે ગ્રેપ-4 લાગુ કરવામાં આવે છે.


Google NewsGoogle News