Get The App

દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે રાજકીય ધમાસાણ : મંત્રી ગોપાલ રાયે ‘યુપીની બસો’ પર તો કોંગ્રેસ-ભાજપે ‘આપ સરકારના કામ’ પર ઉઠાવ્યા સવાલ

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે રાજકીય ધમાસાણ : મંત્રી ગોપાલ રાયે ‘યુપીની બસો’ પર તો કોંગ્રેસ-ભાજપે ‘આપ સરકારના કામ’ પર ઉઠાવ્યા સવાલ 1 - image


Delhi Pollution : દેશની રાજધાની દિલ્હીની પ્રજાએ દર દિવાળીના તહેવારોની જેમ આ વખતે પણ પ્રદૂષણ વચ્ચે તહેવાર ઉજવવાની સ્થિતિ ઉભી થઈ છે. રાજધાનીમાં ફરી પ્રદૂષણમાં વધારો થતા આપ સરકાર દોડતી થઈ ગઈ છે. સરકારે સતત વધતા એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)ને ધ્યાને રાખી હાઈલેવલ બેઠક બોલાવી છે. બેઠક બાદ દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે ભાજપ પર ડ્રામાનો ગંભીર આક્ષેપ કર્યો છે, તો બીજીતરફ કોંગ્રેસ અને ભાજપે પણ આપ સરકારની કામગીરી પર આંગળી ચિંધી છે.

ઉત્તર પ્રદેશની ડીઝલ બસોને કારણે પ્રદૂષણ વધ્યું

પ્રદૂષણ મામલે આજે યોજાયેલી આપની બેઠક બાદ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, મુંડકા, દ્વારકા સેક્ટર-8, પંજાબી બાગ, આર.કે.પુરમ, આનંદ વિહાર સહિત દિલ્હીમાં 13 સ્થળોનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ખૂબ જ નબળી શ્રેણીમાં છે. દિલ્હી સરકારના અધિકારીઓને જમીન પર તહેનાત કરવા સૂચના અપાઈ છે. તેમણે એમ પણ કહ્યું કે, ઉત્તર પ્રદેશની ડીઝલ બસોને કારણે આનંદ વિહારમાં AQIમાં વધારો થયો છે. આ દરમિયાન તેમણે ભાજપ પર નાટક કરવાનો આક્ષેપ કર્યો છે, જેના કારણે રાજધાનીના પ્રદૂષણ મામલે આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો શાબ્દિક જંગ શરૂ થઈ ગયો છે.

એજન્સીઓએ 13 હૉટસ્પૉટ પર પ્રદૂષણ વધવાના કારણો શોધ્યા

દિલ્હીના પર્યાવરણ મંત્રી રાયે કહ્યું કે, ‘દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ કમિશનરને પ્રદૂષણ હૉટસ્પૉટના પ્રભારી બનાવાયા છે. દિલ્હીના અધિકારીઓને ગ્રાઉન્ડ પર તહેનાત રહેવાનો નિર્દેશ આપ્યો છે. યુપીની ડીઝલ બસોના કારણે આનંદ વિહારમાં પ્રદૂષણ વધ્યું છે. દિલ્હી સરકારની એજન્સીઓએ તમામ 13 હૉટસ્પૉટ પર પ્રદૂષણ વધવાના કારણોની ઓળખ કરી છે. 13 હૉટસ્પૉટ પર 80 મોબાઈલ એન્ટી-સ્મૉગ ગન તહેનાત કરવાની તૈયારી શરૂ કરાઈ છે. આ ઉપરાંત કોર્પોરેશનને હૉટસ્પૉટ સ્થળો પર વોટર સ્પ્રિંકલરથી છંટકાવ કરવાનો પણ નિર્દેશ અપાયો છે.

દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે AAP, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિપાંખીયો જંગ

આમ આદમી પાર્ટીએ ભાજપ પર સાધ્યું નિશાન : ગોપાલ રાયે (Gopal Rai) કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ દિલ્હીમાં બે સ્મૉગ ટાવર બનાવાયા છે, જેમાંથી કેન્દ્ર દ્વારા આનંદ વિહારમાં અને દિલ્હી સરકારે સીપીમાં સ્મૉગ ટાવર બનાવ્યું હતું. આ બંને ટાવરોનો કાર્યકાળ બે વર્ષનો હતો, જેનો રિપોર્ટ પણ સુપ્રીમ કોર્ટને સોંપાયો છે. તેમણે ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, ‘ભાજપ પ્રદૂષણ વધારવાનું કામ કરી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી પ્રદૂષણ ઘટાડવાનું કામ કરે છે.’

કોંગ્રેસે દિલ્હી સરકાર પર કર્યો ગંભીર આક્ષેપ : કોંગ્રેસ (Congress) નેતા પવન ખેડા (Pawan Khera)એ પ્રદૂષણ મુદ્દે કહ્યું કે, દિલ્હીની સ્થિતિ ખરાબ છે, લોકોને ખાંસી રહ્યા છે. છેલ્લા 10 વર્ષની સરકારે દિલ્હીની સ્થિતિ બગાડી દીધી છે. આ સરકાર માત્ર એક-બીજાને જવાબદાર ઠેરવે છે. આવી રીતે માત્ર ટોપી ટ્રાન્સફર કરવાથી કામ થતું નથી.

ભાજપે દિલ્હી સરકારની નિયત ખોટી હોવાનો કર્યો આક્ષેપ : ભાજપ (BJP)ના સાંસદ મનોજ તિવારી (Manoj Tiwari)એ કહ્યું કે, કેજરીવાલ અને આતિશી સરકારની નિયમ દિલ્હીના લોકો માટે કામ કરવાની જ નથી. દિલ્હીમાં પ્રદૂષણ જીવલેણ બની રહ્યું છે. લોકો શ્વાસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હાલ અમે તો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે, દિલ્હી બચી જાય.


Google NewsGoogle News