કોંગ્રેસનો AAP સરકાર પર હુમલો કહ્યું ‘પ્રદૂષણ ડામવામાં દિલ્હી સરકાર અને ઑડ-ઈવન સ્કીમ નિષ્ફળ’

ઑડ-ઈવન સ્કીમ પ્રદૂષણને ડામવામાં સંપૂર્ણ નિષ્ફળ, યોજનાથી લોકો પરેશાન થતા હોવાનો દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખનો દાવો

કોંગ્રેસે કહ્યું, ‘પ્રદૂષણ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને જવાબદાર, આખું વર્ષ મળ્યું છતાં તેમણે કોઈ પગલા ન ભર્યા, હવે જાગ્યા’

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
કોંગ્રેસનો AAP સરકાર પર હુમલો કહ્યું ‘પ્રદૂષણ ડામવામાં દિલ્હી સરકાર અને ઑડ-ઈવન સ્કીમ નિષ્ફળ’ 1 - image

નવી દિલ્હી, તા.08 નવેમ્બર-2023, બુધવાર

દેશની રાજધાની હાલ ગંભીર વાયુ પ્રદૂષણ (Delhi Air Pollution)નો સામનો કરી રહી છે. દિલ્હી સરકાર પણ પ્રદૂષણને નાથવા તમામ પગલાઓ તેમ નીત-નવા નિયમો અમલમાં મુકી રહી છે. એટલું જ નહીં સરકારે નાછુટકે ‘ઑડ-ઈવન સ્કીમ’ (Odd Even Scheme) પણ લાગુ કરી દીધી છે, જોકે હવે કોંગ્રેસે પોતાના ઈન્ડિયા ગઠબંધન (INDIA Alliance)ના સહયોગી AAP પર પ્રદૂષણ મામલે આકરા પ્રહારો કરી મોટો દાવો કર્યો છે. દિલ્હી કોંગ્રેસે ‘ઑડ-ઈવન સ્કીમ’ સંપૂર્ણ નિષ્ફળ ગઈ હોવાનો દાવો કર્યો છે.

ઑડ-ઈવન સ્કીમથી લોકો પરેશાન

દિલ્હી પ્રદેશ કોંગ્રેસ (Congress) કમિટીના (DPCC)ના પ્રમુખ અરવિંદ સિંહ લવલી (Arvinder Singh Lovely)એ દાવો કર્યો છે કે, અગાઉ કાર ચલાવવા માટે લવાયેલ ‘ઑડ-ઈવન સ્કીમ’ હવા પ્રદૂષણને ડામવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે. આ યોજનાના અમલથી લોકો માત્ર અસુવિધાનો સામનો કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, દિલ્હી ગેસ ચેમ્બર બની ગઈ છે અને દિલ્હી સરકાર (Delhi Government) પ્રદૂષણના ડામવામાં મહત્વના નિર્ણયો લેવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. ઉલ્લેખનિય છે કે, દિલ્હી સરકાર રાજ્યમાં પ્રદૂષણ પર કાબુ મેળવવા વર્ષ 2016માં ‘ઑડ-ઈવન સ્કીમ’ લાવી હતી.

કેન્દ્ર અને રાજ્ય સરકારો જવાબદાર

વાસ્તવમાં  દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે (Environment Minister Gopal Rai) તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે, રાજધાનીમાં 13થી 20 નવેમ્બર સુધી ઓડ ઈવન સ્કીમ લાગુ કરવામાં આવશે. ત્યારબાદ પ્રદૂષણ મામલે લવલીનું આ નિવેદન સામે આવ્યું છે. લવલીએ કહ્યું કે, અત્યંત નબળી હવાની ગુણવત્તા મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને જવાબદાર છે. આખું વર્ષ મળ્યું છતાં તેમણે પ્રદૂષણ ઘટાડવા કોઈ પગલા ન ભર્યા અને જ્યારે ઝેરી હવાનો લોકો શિકાર બન્યા, ત્યારે તેઓ જાગ્યા...

ઑડ-ઈવન સ્કીમ ખોટો નિર્ણય

જો દિલ્હીમાં પ્રદૂષણ વધવાનું મુખ્ય કારણ પરાળી સળગાવવાનું હોય, તો ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને હરિયાણા (Haryana)માં BJP સરકારે તેમજ પંજાબ (Punjab) અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party))ની સરકારે પરાળી સળગાવવાની ઘટનાઓ અટકાવવા યોગ્ય પગલા ભરવા જોઈતા હતા. રાજ્ય સરકારની ઓડ ઈવન સ્કીમ ખોટો નિર્ણય હતો, આ સ્કીમથી પ્રદૂષણમાં ઘટાડો નહીં, પરંતુ લોકો અસુવિધામાં મુકાયા.


Google NewsGoogle News