પ્રદૂષણને કારણે દિલ્હીનો વિકાસ અટક્યો, આ 14 કામો પર લગાવાયો પ્રતિબંધ, પર્યાવરણ મંત્રીએ આપી માહિતી
પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાને લઈ દિલ્હી સરકારે ગ્રેપ-3 લાગુ કર્યો
ગ્રેપ-3 હેઠળ કન્સ્ટ્રક્શન સહિતના કામકાજો પર પ્રતિબંધ લગાવાયો
નવી દિલ્હી, તા.03 નવેમ્બર-2023, શુક્રવાર
દિવાળી પહેલા પ્રદૂષણે (Delhi Pollution) દિલ્હીને બાનમાં લીધું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજધાનીમાં સતત વધતા પ્રદૂષણના કારણે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 468 નોંધાયું છે, જેના કારણે ઘરોમાંથી બહાર નિકળવું પણ મુશ્કેલ બની ગયું છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, જો આગામી 20 દિવસોમાં ઉત્તર પશ્ચિમ દિશાઓમાંથી પવનો નહીં ફુકાય તો સ્થિતિ વધુ ગંભીર બની જશે. દિલ્હી સરકાર પણ પ્રદૂષણના ખતરાને ધ્યાને રાખી વિવિધ પગલાઓ ભરી રહી છે. સરકારે ગઈકાલે રાજધાનીની તમામ સ્કુલો 2 દિવસ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સ્થિતિ ગંભીરતાને ધ્યાને લઈ સરકારે ગ્રેપ-3 લાગુ કરી દીધો છે, જેના કારણે દિલ્હીનો વિકાસ અટકી ગયો છે. ગ્રેપ-3 લાગુ થયા બાદ સરકારે 14 કામો પર પ્રતિબંધ લગાવી દીધો છે.
દિલ્હીના પર્યાવરણ મંત્રીએ આપી માહિતી
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે (Environment Minister Gopal Rai) આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અગાઉના પ્રતિબંધો લાગુ રાખવા ઉપરાંત ગ્રેપ-3 (Grape 3) લાગુ કરવાનો નિર્ણય કરાયો છે, જે મુજબ 14 કામો પર પ્રતિબંધ લાગવી દેવામાં આવ્યો છે. અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં આ તમામ નિયમો જારી કરવાનો નિર્ણય કરાયો છે.
પ્રદૂષણને કારણે આ કામો પર લગાવાયો પ્રતિબંધ
- બાંધકામ અને બિલ્ડીંગ સંચાલન સહિત તમામ નિર્માણ કાર્યો પર પ્રતિબંધ
- બોરિંગ ડ્રિલિંગ કામગીરી સહિત ખોદકામ અને ભરવા માટેના માટીકામ પર પ્રતિબંધ
- ઓપન ટ્રેચ સિસ્ટમ દ્વારા ગટર લાઇન, પાણીની લાઇન, ડ્રેનેજ કામ અને ઇલેક્ટ્રિક કેબલ નાખવા પર પ્રતિબંધ
- રોડ અને ફુટપાથ બનાવવાની કામગીરી, સમારકામ પર પ્રતિબંધ તેમજ આ કામમાં બોરિંગ ડ્રિલિંગ કામગીરી સહિત ખોદકામ અને ભરવા માટેના માટીકામ પર પ્રતિબંધ
- વોટરપ્રૂફિંગ કામો પર પ્રતિબંધ
- પેઇન્ટિંગ અને પોલિશિંગ કામો પર પ્રતિબંધ
- ડિમોલિશનના કામો પર પ્રતિબંધ
- પાઈલિંગ કામો પર પ્રતિબંધ
- ટાઇલ્સ, પત્થરો અને અન્ય ફ્લોરિંગ પ્રોડક્ટને તોડવા તેમજ તેના સમારકામ કરવા પર પ્રતિબંધ
- બહાર નોંધાયેલા હળવા કોમર્શિયલ વાહનો તેમજ ડીઝલથી ચાલતા ટ્રકો અને ભારે માલસામાનના વાહનોના પ્રવેશ પર પણ પ્રતિબંધ
ગ્રેપ એટલે શું ?
એર ક્વોલિટી ઈન્ડેક્સ ખરાબ થાય ત્યારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) લાગુ કરવામાં આવે છે. આ એક ઈમરજન્સી પ્લાન છે અને તને પ્રદૂષણ પર કાબુ મેળવવા માટે લાગુ કરવામાં આવે છે. ગ્રેપના ચાર તબક્કા હોય છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ 201-301 હોય ત્યારે ગ્રેપ-1 લાગુ કરવામાં આવે છે, જ્યારે 301-400 AQI માટે ગ્રેપ-2 અને 401-450 AQI માટે ગ્રેપ-3, જ્યારે એર ક્વોલિટી ઈન્ડેક્સ 450-500 હોય ત્યારે ગ્રેપ-4 લાગુ કરવામાં આવે છે.