દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ફેલાવવા પાછળ દિલ્હી સરકારનો નહીં કેન્દ્રનો વાંક! જાણો AAPના મંત્રીએ શું કહ્યું
Delhi Pollution: દેશની રાજધાની દિલ્હીની અત્યંત પ્રદૂષિત હવા મામલે સુપ્રીમ કોર્ટે એક બાજુ રાજ્ય સરકારને ઠપકો આપ્યો છે. ત્યારે રાજ્ય સરકારે આ દોષનો ટોપલો કેન્દ્ર પર ઢોળ્યો છે. રાજ્ય સરકારના પર્યાવરણ મંત્રીએ દિલ્હીના પ્રદૂષણ મામલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ દેશમાં પ્રદૂષણના વધી રહેલા પ્રમાણમાં કેન્દ્ર સરકાર મૌન હોવાનો આરોપ પણ મૂક્યો હતો.
રાજ્ય સરકારે કેન્દ્ર પર કર્યો આરોપ
નવી દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ અને GRAP-4ના અમલીકરણ અંગે રાજ્યના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે એક બેઠક બોલાવી હતી. સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે GRAP-4ના નિયમોનો ચુસ્તપણે અમલ કરવા અંગે વિચાર-વિમર્શ કર્યો હતો.
આ દરમિયાન પત્રકારોને સંબોધતા કેન્દ્ર સરકાર પર આરોપ મૂક્યા હતા કે, ‘સમગ્ર ઉત્તર ભારત આજે ગંભીર પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે. વરિષ્ઠોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. શાળાઓ બંધ કરવા મજબૂર થયા છીએ. જનજીવન પર નકારાત્મક અસરો થઈ રહી છે. બહાદુરગઢમાં AQI 477 છે. જો કે, આ પરિસ્થિતિમાં પણ કેન્દ્ર સરકાર ઊંઘતી ઝડપાઈ છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી તો મૌન ધારણ કરી લીધું છે.’
આ પણ વાંચોઃ ભારતીયોનો હવાઈ મુસાફરીનો રેકોર્ડ: એક જ દિવસમાં પાંચ લાખથી વધુ લોકોએ કર્યો ફ્લાઈટમાં પ્રવાસ
પંજાબમાં નકામા ઘાસ બાળવાની ઘટના ઘટી પણ...
ગોપાલ રાયે દાવો કર્યો હતો કે, ‘પંજાબમાં આપ સરકારે પરાળી એટલે કે નીંદણ અને નકામા ઘાસ બાળવાની ઘટનાઓ ઘટાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જેને અમે 47 હજારથી ઘટાડી 8 હજાર સુધી લઈ ગયા છીએ, પરંતુ ભાજપ સરકાર શાસિત રાજ્યોમાં આ ઘટના 1500થી વધી 2500 થઈ છે.’
પ્રદૂષણ ફેલાવતી BS-4 બસો દોડાવવામાં આવી
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, ‘BS-4 પ્રદૂષણ ફેલાવતી બસો સમગ્ર દિલ્હીમાં ચલાવવામાં આવી રહી છે. જો ભાજપની કેન્દ્ર સરકારે યોગ્ય પગલાં લીધા હોત તો આ દિવસ જોવો ન પડતો. અમે ઑગસ્ટમાં કેન્દ્રીય મંત્રીને IIT કાનપુર અને દિલ્હી સરકાર વચ્ચે બેઠક બોલાવવા પત્ર લખ્યો હતો. 3 મહિના બાદ પણ હજી સુધી કોઈ બેઠક થઈ નથી. જે કેન્દ્ર સરકારની આ મામલે ગંભીરતા રજૂ કરે છે.’