હરભજન સિંહના સરકારી બંગલામાં રહેશે મનીષ સિસોદિયા, આતિશીના નામે ફાળવાયેલું ઘર ખાલી કર્યું
Manish Sisodia Vacates Government Bunglow: આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પોતાનો સરકારી બંગલો છોડી દીધો છે. સરકારી આવાસ છોડી સિસોદિયા પોતાના પરિવાર સાથે આપ સાંસદ અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહના બંગલા 32, રાજેન્દ્ર પ્રસાદ રોડ પર શિફ્ટ થઇ ગયા છે. સિસોદિયા અત્યાર સુધી સીએમ આતિશીના નામ પર ફાળવાયેલા આવાસ એબી-17માં રહી રહ્યા હતા.
કેમ છોડ્યું સરકારી આવાસ?
હકિકતમાં, દિલ્હી લિકર પોલિસી કેસમાં મનીષ સિસોદિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. જે પછી વર્તમાન સીએમ આતિશીને શિક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું, આ ઉપરાંત સરકારે સિસોદિયાનો સરકારી બંગલો પણ આતિશીના નામે અલોટ કરી દીધો હતો.
આ પણ વાંચોઃ વારંવાર ચૂંટણી પહેલા જ કેમ રામરહીમને મળી જાય છે પેરોલ, ભાજપને કઈ રીતે કરાવે છે ફાયદો
જો કે, ત્યારે આતિશીએ કહ્યું હતું કે, 'સિસોદિયાના પત્નિ બિમાર છે માટે હું ઇચ્છું છું કે, તેમનો પરિવાર અગાઉની જેમ જ આ ઘરમાં રહે.' ત્યારથી સિસોદિયાનો પરિવાર એ જ ઘરમાં રહી રહ્યો હતો. પરંતુ આતિશીના સીએમ બન્યા બાદ તેમને સીએમ આવાસ અલોટ કરવામાં આવશે, આવી સ્થિતિમાં જૂના આવાસમાંથી તેમનું નામ હટી જશે, માટે મનીષ સિસોદિયાએ સરકારી આવાસ ખાલી કર્યું છે.
કેજરીવાલ પણ છોડશે સરકારી આવાસ
તમને જણાવી દઇએ કે, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ કાલે (4 ઓક્ટોબર) પોતાનું સરકારી આવાસ છોડશે. સરકારી આવાસ છોડ્યા બાદ કેજરીવાલ અને તેમનો પરિવાર આપના પાર્ટી સાંસદ અશોક મિત્તલના બંગલામાં શિફ્ટ થશે. તેમણે, થોડાક દિવસો પહેલાં જ આ અંગે જાણકારી આપી હતી. નોંધનીય છે કે, કેજરીવાલે 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.
મિત્તલના ઘરે ક્યાં સુધી રોકાશે કેજરીવાલ?
દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, 'આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ અરવિંદ કેજરીવાલને તેમના ઘરે રહેવા આમંત્રણ આપ્યું હતું. જે પછી કેજરીવાલે પોતાના મત વિસ્તારમાં રહેવાનું નક્કી કરતા અશોક મિત્તલના ઘરે શિફ્ટ થવાનું નિર્ણય લીધો છે. હવે જ્યાં સુધી તેઓ દિલ્હીના સીએમ તરીકે ફરી ચૂંટાશે નહીં ત્યાં સુધી તે મિત્તલના ઘરે રહેશે.'