દિલ્હીમાં નમાઝ પઢનારા વ્યક્તિને લાત મારનાર પોલીસ કર્મચારી સસ્પેન્ડ, સ્થાનિકોમાં આક્રોશ
Delhi Namaz Video Viral : દિલ્હીના ઈન્દ્રલોક વિસ્તારમાં રોડ કિનારે નમાઝ પઢનારા નમાઝીઓને લાત મારનારા સબ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા છે. સાથે જ પોલીસ કર્મચારીઓ પર જરૂરી શિસ્તબદ્ધ કાર્યવાહી પણ કરાઈ છે. આ ઘટના બાદ ત્યાં હાજર લોકો ગુસ્સે ભરાયા અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. ટોળાએ દિલ્હી પોલીસ વિરૂદ્ધ નારાજગી વ્યક્ત કરી. બગડતા માહોલ વચ્ચે મોટી સંખ્યામાં પોલીસ દળની તૈનાતી કરાઈ છે. જોકે, હવે સ્થિતિ ત્યાં સામાન્ય થઈ ચૂકી છે.
આ ઘટનાને લઈને કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારે, સબ-ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા છે તો ઈમરાન પ્રતાપગઢીએ ફરી પોસ્ટટ કરી છે. આ વખતે તેમણે પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદની માંગ કરી છે.
પ્રતાપગઢીએ X પર લખ્યું કે, 'ઈન્દ્રલોક દિલ્હીમાં નમાઝ પઠતા વ્યક્તિઓને લાત મારનારા પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા છે, પરંતુ સવાલ હજુ પણ એ છે કે એવા પોલીસ કર્મચારી જેમનો સાંપ્રદાયિક ચહેરો કેમેરામાં કેદ છે જેના પર સુસંગત કલમોમાં FIR ક્યારે દાખલ થશે? દિલ્હી પોલીસ તમે તો રાજધાનીની પોલીસ છો, તમારે મોટી રેખા ખેંચવી જોઈએ.'
દિલ્હી પોલીસનું આવ્યું નિવેદન
આ ઘટનાને લઈને ડેપ્યુટી પોલીસ કમિશ્નર એમકે મીણાનું નિવેદન આવ્યું છે. ડીસીપી મીણાએ કહ્યું કે, વીડિયોમાં જે પોલીસ કર્મચારી દેખાઈ રહ્યા છે. તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. શિસ્તબદ્ધ કાર્યવાહી કરાઈ રહી છે. ત્યાં (ઈન્દ્રલોક) સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. સ્થાનિક લોકોની સાથે મળીને અમે મેસેજ પહોંચાડ્યો છે કે વિસ્તારની કાયદો-વ્યવસ્થાને મેઈન્ટેન કરવાની છે. ટ્રાફિક ખુલી ચૂક્યો છે. લોકોને સમજાવવામાં આવી રહ્યા છે.
બપોરની નમાઝના સમયે આ ઘટના બની
આ પહેલા ડીસીપી મીણાએ પ્રદર્શનકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી અને તેમણે આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીનો ભરોસો વ્યક્ત કર્યો હતો. ત્યારે, દિલ્હી કોંગ્રેસે આ શરમજનક ઘટનાને કરાર આપતા કહ્યું કે, દિલ્હી પોલીસના જવાનો નમાઝ અદા કરી રહેલા વ્યક્તિઓને હટાવી રહ્યા છે અને લાત મારી રહ્યા છે. તેનાથી વધુ શરમજનક વાત બીજી શું હોય શકે છે.