દિલ્હી પોલીસનો ખુલાસો, મોદી સરકારના શપથમાં રહસ્યમય જીવ નહીં પણ હતું આ સામાન્ય પ્રાણી
Delhi Police Clarification | પીએમ મોદીના શપથ સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં દેખાયેલા રહસ્યમય પ્રાણીના વાયરલ વીડિયો વિશે હવે દિલ્હી પોલીસ દ્વારા તપાસ કરાયા બાદ ખુલાસો કરી દેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે આ મામલે ખુદ ટ્વિટ કરીને જાણકારી આપી છે.
શું કહ્યું દિલ્હી પોલીસે?
દિલ્હી પોલીસે જાણકારી આપતાં કહ્યું કે તાજેતરમાં સોશિયલ મીડિયા પર શપથ ગ્રહણ સમારોહ દરમિયાન કોઈ રહસ્યમય જીવ રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી આવ્યો હોવાનો દાવો કરાયો હતો તે તદ્દન ખોટો છે. અમે તપાસ બાદ ખુલાસો કરી રહ્યા છે કે તે કોઈ દીપડો કે રહસ્યમય જીવ નહોતો પરંતુ તે ઘરમાં રહેતી એક સામાન્ય બિલાડી જ હતી. એટલા માટે અમે તમામ અફવાઓને ફગાવીએ છીએ.
પીએમ મોદીના શપથનો હતો વીડિયો
નરેન્દ્ર મોદી દેશના ત્રીજી વખત વડાપ્રધાન બની ગયા છે. તેમણે ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં શપથગ્રહણ કર્યા હતા. તેમની સાથે 72 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. આ સમારોહમાં દેશ-વિદેશના દિગ્ગજ નેતાઓ, બોલિવૂડ કલાકારો, વેપાર-જગતના હસ્તીઓ સહિત છ હજારથી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે સમારોહના એક વાયરલ વીડિયોમાં એવો દાવો કરાયો હતો કે કોઈ એક રહસ્યમય પ્રાણી (Leopard) પણ ત્યાં લટાર મારી રહ્યો હતો. જેના લીધે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા હતા. જોકે હવે ખુદ દિલ્હી પોલીસે આ મામલે ખુલાસો કરી દેતાં તમામ અફવાઓ પર પૂર્ણ વિરામ મૂકાયો છે.