'દેશમાં અશાંતિ પેદા કરવાનો ઉદ્દેશ્ય', સંસદની સુરક્ષામાં ભંગ મામલે દિલ્હી પોલીસનો ખુલાસો
લલિત ઝાની કસ્ટડી માંગતા દિલ્હી પોલીસે શુક્રવારે અનેક ખુલાસા કર્યા
લલિત ઝા દેશમાં અરાજકતા પૈદા કરવા માંગતો હતો : દિલ્હી પોલીસ
સંસદની સુરક્ષામાં મોટી ચૂક મામલે મુખ્ય કાવતરાખોર લલિત ઝાની કસ્ટડી માંગતા દિલ્હી પોલીસે શુક્રવારે અનેક ખુલાસા કર્યા. પટિયાલા હાઉસ કોર્ટમાં પોલીસે પોતાના રિમાન્ડ નોટમાં કહ્યું કે, લોકસભાની સુરક્ષા ભંગ કરવા પાછળ લલિત અને તેમના સાથિઓનો ઉદ્દેશ્ય દેશમાં અશાંતિ પૈદા કરવાનો હતો.
પોલીસને રિમાન્ડ નોટમાં કહ્યું કે, તપાસ દરમિયાન જાણ થઈ કે, તેમનો ઉદ્દેશ્ય સાંસદોને ડરાવવાનો પણ છે. રિમાન્ડ નોટમાં વધુ ખુલાસા કરાયા કે, પૂછપરછ દરમિયાન લલિત ઝાએ કહ્યું કે, ષડયંત્ર રચવા માટે અનેક વખત તમામ આરોપી મળ્યા હતા. તેવામાં અમે તપાસ કરીશું કે શું તેમના દુશ્મન દેશ અને આતંકી સંગઠન સાથે સંબંધ હતા.
શું ખુલાસા કર્યા?
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે કહ્યું કે, આરોપી લલિત ઝાએ ખુલાસો કર્યો કે, તે દેશમાં અરાજકતા પૈદા કરવા માંગતો હતો, જેથી તે સરકારને પોતાની અન્યાયપૂર્ણ અને ગેરકાયદે માંગને પૂર્ણ કરવા માટે મજબૂર કરી શકે.
પોલીસે વધુમાં કહ્યું કે, લલિત ઝાએ તમામ આરોપીઓ સામે પૂરાવા મિટાવવા અને તેમની પાછળના મોટા ષડયંત્રને છૂપાવવા માટે તેમના ફોન લઈ લીધા અને તેનો નાશ કરી દીધો. જોકે, દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સુરક્ષા ભંગ કરવા મામલે ધરપકડ કરાયેલા લલિત ઝાને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.
કેટલા લોકો સામેલ?
લોકસભામાં બુધવાર બપોરે અંદાજિત એક વાગ્યે સાંસદોની બેસવાની જગ્યા પર બે લોકો પ્રેક્ષક ગેલેરીથી કૂદી જાય છે અને કેનના માધ્યમથી ધૂમાડો ફેલાવે છે. તેને તાત્કાલિક પકડી લેવામાં આવે છે. તેમની ઓળખ સાગર શર્મા અને મનોરંજન ડી તરીકે થઈ છે. આ દરમિયાન જ પરિસરમાં શામેલ અમોલ શિંદે અને નીલમ પ્રદર્શન કરતા કેન દ્વારા ધૂમાડો કરે છે.
ત્યારે પોલીસે સાગર, મનોરંજન, અમોલ, નીલમ, લલિત અને વિક્કીની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે, સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.