ધક્કામુક્કી કાંડ મામલે રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ દાખલ, જાણો કઈ કલમ હેઠળ કેસ નોંધાયો
Parliament Ruckus: સંસદ પરિસરમાં ધક્કામુક્કી કાંડને લઈને દિલ્હી પોલીસે રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. દિલ્હી પોલીસના ટોપના સૂત્રોએ જણાવ્યું કે, ભાજપની ફરિયાદના આધાર પર આ કાર્યવાહી કરવામાં આવી છે. રાહુલ ગાંધી પર BNS 117, 125, 131, 3(5) હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. જણાવી દઈએ કે, ભાજપે ગુરૂવારે રાહુલ ગાંધી વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં રાહુલ ગાંધી પર ધક્કામુક્કી દરમિયાન શારીરિક હુમલો અને ઉશ્કેરણીમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.
ભાજપનો આરોપ છે કે, રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ધક્કામુક્કીમાં તેના બે સાંસદોને ઈજા પહોંચી, જે RML હોસ્પિટલમાં દાખલ છે. ભાજપની અનુસૂચિત જનજાતિ મહિલા સાંસદે રાહુલના અશોભનીય વ્યવહારની ફરિયાદ રાજ્યસભા ચેરમેનને કરી છે. ત્યારે, ભાજપ અને કોંગ્રેસ, બંનેએ એકબીજાના સાંસદો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ભાજપે રાહુલ ગાંધી વિરૂદ્ધ હત્યાના પ્રયાસને લઈને ભારતીય ન્યાય સંહિતાની 6 અન્ય ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
રાહુલ ગાંધી વિરૂદ્ધ BNSની આ કલમો હેઠળ ફરિયાદ
- કલમ 115: સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવું
- કલમ 117: સ્વેચ્છાએ ગંભીર ઇજા પહોંચાડવી
- કલમ 125: અન્યની સુરક્ષાને જોખમમાં મૂકવી
- કલમ 131: ગુનાહિત બળનો પ્રયોગ
- કલમ 351: ફોજદારી ધમકી
- કલમ 3(5): સામાન્ય ઉદ્દેશ્યથી કામ કરવું
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
રાહુલ ગાંધીએ કહ્યું કે, 'મુદ્દાની શરૂઆત અદાણીના મામલાથી થઈ. ભાજપ ઇચ્છતી હતી કે તેના પર કોઈ ચર્ચા ન થાય. ભાજપની જે માનસિકતા છે તેને તમામની સામે બતાવી દીધી. આજે અમે સંસદ જઈ રહ્યા હતા. ભાજપના સાંસદ દંડા લઈને ઊભા હતા અને અમને અંદર જવા દેવામાં નહોતા આવી રહ્યા. તેમણે આંબેડકરજીનું જે અપમાન કર્યું છે તેને લઈને અમિત શાહે માફી માગવી જોઈએ. મુખ્ય મુદ્દો અદાણીનો છે જેની ચર્ચા આ લોકો નથી ઇચ્છતા.'
જાણો શું છે મામલો?
કોંગ્રેસે આંબેડકર પર તેમનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે આ નિવેદનનો વિરોધ કર્યો હતો. જ્યારે હવે ભાજપ દ્વારા પણ કોંગ્રેસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સવારે લગભગ 10.40 વાગ્યે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન માટે સંસદના મકર દ્વાર પર પહોંચી, તે જ સમયે ભાજપના નેતાઓ પણ મકર દ્વાર પર ઊભા હતા. જ્યારે બંને એકબીજાની સામે આવ્યા તો જોરથી સૂત્રોચ્ચાર શરુ થઈ ગયા.
એમાંથી ભાજપ અને કોંગ્રેસના સાંસદો વચ્ચે ધક્કામુક્કીમાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગીને ધક્કો વાગતાં તે પડી ગયા અને તેમને ઈજા થઈ. ભાજપ સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ જણાવ્યું હતું કે, 'રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો હતો જે મારી ઉપર પડ્યા જેના લીધે હું દબાઈ ગયો. હું પગથિયાં પર ઊભો હતો.'
આ પણ વાંચો: કોંગ્રેસે મર્યાદા તોડી, આદિવાસી મહિલા સાથે દુર્વ્યવહાર: શિવરાજ સિંહ ચૌહાણનો ગંભીર આરોપ