દિલ્હી: કાશ્મીરી ગેટ પાસે ખાલિસ્તાન તરફી સૂત્રો લખવા મામલે દિલ્હી પોલીસે FIR નોંધી

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
દિલ્હી: કાશ્મીરી ગેટ પાસે ખાલિસ્તાન તરફી સૂત્રો લખવા મામલે દિલ્હી પોલીસે FIR નોંધી 1 - image

Image Source: Twitter

- તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસ ટીમે સ્પ્રે પેન્ટથી દિવાલ પરથી સૂત્રોચ્ચાર હટાવી દીધા

નવી દિલ્હી, તા. 28 સપ્ટેમ્બર 2023, ગુરૂવાર

કેનેડામાં ભારત વિરુદ્ધ નાપાક હરકતો કરી રહેલા ખાલિસ્તાની આતંકવાદીઓએ દિલ્હીમાં પણ આ કૃત્ય કર્યું છે. અલગતાવાદીઓએ પોતાની હાજરી નોંધાવવા માટે દેશની રાજધાનીમાં કાશ્મીર ગેટ પાસે ફ્લાયઓવરની નીચે દિવાલો પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખ્યા હતા. બુધવારે બનેલી આ ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસ ટીમે સ્પ્રે પેન્ટથી દિવાલ પરથી સૂત્રોચ્ચાર હટાવી દીધા છે. આ સાથે જ પોલીસે આઈપીસીની કલમ હેઠળ કેસ નોંધ્યો છે. સૂત્રોચ્ચાર લખનાર લોકોની તલાશ કરવામાં આવી રહી છે.

દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પુલની બંને બાજુએ 'દિલ્હી બનેગા ખાલિસ્તાન' જેવા સૂત્રો લખેલા હતા. આ સૂત્રોને ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ જોયા હતા. પોતાનું નામ સાર્વજનિક ન કરવા વિનંતી કરતાં એક રાહદારીએ અમને ફોન કરીને આ અંગે સૂચના આપી હતી. આઈપીસીની કલમ 153 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ આજુબાજુ લગાવવામાં આવેલા CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરી લેવામાં આવશે. 

કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના પ્રમુખ ગુરુપતવંત સિંહ પન્નુએ પણ એક વીડિયો જારી કરીને દિલ્હીમાં ખાલિસ્તાની સૂત્રો લખવાની વાત કરી હતી. તેણે દેશની સંસદ અને વર્લ્ડ કપ મેચ દરમિયાન હુમલાની ધમકી પણ આપી છે. આ અગાઉ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓ ભારતીય મિશનને ટાર્ગેટ કરી ચૂક્યા છે.


Google NewsGoogle News