AIની મદદથી મૃતદેહની આંખો ખોલી, ઉપાય કામ કરી ગયો અને હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો
મૃતક યુવક પાસેથી કોઈપણ પુરાવો-મોબાઈલ ન મળતા ગૂંચવાયેલો મામલો AIની મદદથી ઉકેલાયો
પોસ્ટર છપાવ્યા બાદ પણ મૃતકની ઓળખ ન થતા પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરી ભેદ ઉકેલ્યો
Delhi Crime : દિલ્હી પોલીસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી લાવારિસ મૃતદેહની આંખો ખોલી હત્યાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસના પ્રયાસોથી મૃતદેહની ઓળખ થઈ છે અને પોર્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકનું ગળુ દબાવી હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનામાં પોલીસે એક મહિલા સહિત ચાર લોકોની ધરકડ કરી છે.
મૃતક યુવક પાસેથી કોઈપણ પુરાવો-મોબાઈલ ન મળતા મામલો ગૂંચવાયો
ડીસીપી મનોજ કુમાર મીનાએ કહ્યું કે, ‘10 ડિસેમ્બરે એક યુવકનો મૃતદેહ ગીતા કૉલોની ફ્લાઈઓવર નીચે પડ્યો હતો, જ્યાં પોલીસને કોઈપણ ઓળખનો પુરાવો કે મોબાઈલ ન મળતા મામલો ગૂંચવાયો હતો. પોલીસ માટે મૃતકની ઓળખ કરવી પણ જરૂરી હતી, તેથી મૃતદેહનો ફોટો પોસ્ટર છપાવી ઘણા સ્થળોએ લગાવ્યા, પરંતુ તેમાં મૃતકની આંખો બંધ હોવાથી અને બેકગ્રાઉન્ડની ક્વોલિટી પણ ખરાબ હોવાથી પોસ્ટરો પર લોકોની નજર ન પડી, તેથી એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો.’
AIથી આંખો ખોલી અને બેકગ્રાઉન્ડ પણ બદલ્યું
પોસ્ટરમાં મૃતક યુવકને જોઈ ઓળખી શકાય તે માટે ડીસીપી મીનાએ AI ટેકનોલોજીની મદદ લીધી. તેમણે સ્પેશિયલ સ્ટાફના એઆઈ રોહિત સારસ્વતે એઆઈનો ઉપયોગ કરી મૃતદેહની આંખો ખોલવા અને બેકગ્રાઉન્ડ બદલવા કહ્યું. આ પ્રક્રિયા પૂરી થયા બાદ પોસ્ટર જોઈ એવું લાગી રહ્યું હતું કે, તે જીવતા વ્યક્તિની તસવીર છે. ત્યારબાદ નવા 500 પોસ્ટર છાપી ઠેર-ઠેર લગાવાયા.
30 સભ્યોની ટીમની મહેનત બાદ હત્યારાઓ પકડાયા
હત્યાનો ભેદ ઉકેલવા લાલકિલા પોલીસ સ્ટેશનના પ્રભારી એએસઆઈ સત્યેન્દ્ર સિંહની આગેવાની હેઠળ 30 સભ્યોની ટીમ બનાવાઈ હતી. તમામને જુદા જુદા જિલ્લા અને પોલીસ સ્ટેશન બહાર પોસ્ટર લગાવવા તેમજ વૉટ્સઅપ ગ્રૂપમાં પોસ્ટર પોસ્ટ કરવાની જવાબદારી સોંપાઈ હતી. ટીમે 11 અને 12 જાન્યુઆરી, બે દિવસમાં દિલ્હીભરમાં પોસ્ટર લગાવ્યા, ત્યારબાદ 13મી જાન્યુઆરીએ છાવલા પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો. ફોન કરનારે મૃતદેહની ઓળખ પોતાના મોટાભાઈ હિતેન્દ્ર તરીકે કરી હતી.
પોસ્ટમોર્ટમ કરાયા બાદ હત્યાનો ભેદ ઉકેલાયો
પરિવારજનો આવ્યા બાદ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેમાં યુવકની ગળુ દબાઈ હત્યા થઈ હોવાનો ખુલાસો થયો. ત્યારબાદ પોલીસે હત્યાની કલમો હેઠળ કેસ દાખલ કરી એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી.