'હું સ્વાતિ માલીવાલ બોલું છું,CM હાઉસમાં મારી સાથે...', દિલ્હી પોલીસને ફોન આવતાં અનેક કાવાદાવા
Delhi Police: દિલ્હી પોલીસને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલના નામથી એક ફોન આવ્યો હતો. જેમાં સ્વાતિ માલીવાલે સાથે મારપીટ થયાનો દાવો કર્યો હતો. અહેવાલો અનુસાર, પીસીઆરને આ ફોન દિલ્હી સીએમ હાઉસથી આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જો કે, આ મામલે સ્વાતિ માલીવાલનું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
કેજરીવાલના પીએ પર મારપીટ કર્યોનો આરોપ
અહેવાલો અનુસાર, દિલ્હી પોલીસને સોમવારે (13મી મે) સવારે લગભગ 9 વાગે સીએમ હાઉસમાંથી બે વખત પીસીઆરને ફોન આવ્યો હતો, ફોન કરનાર પોતાને સ્વાતિ માલીવાલ બતાવ્યા હતા. તેમણે કહ્યું કે,'હું સ્વાતિ માલીવાલ બોલું છું, સીએમ હાઉસમાં મારી સાથે મારપીટ થઈ છે', ફોન કરનારે સીએમ કેજરીવાલના પીએ પર મારપીટ કર્યોનો આરોપ લગાવ્યો હતો. જ્યારે પોલીસ સીએમ હાઉસ પહોંચી ત્યારે સ્વાતિ માલીવાલ ત્યાં ન હતા.
ભાજપના નેતાએ આપી પ્રતિક્રિયા
ભાજપના નેતા કપિલ મિશ્રાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે 'X'પોસ્ટ કરીને લખ્યું કે, 'આજે સવારે સ્વાતિ માલીવાલને કેજરીવાલના ઘરે પોલીસ કેમ બોલાવવી પડી? શું કેજરીવાલના પીએ બિભવે સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કરી છે? શું મુખ્યમંત્રી કાર્યાલય કોઈ સ્પષ્ટતા આપશે? ભગવાન કરે સીએમ હાઉસમાં મહિલા રાજ્યસભા સાંસદ સાથે મારપીટ થયાના સમાચાર ખોટા સાબિત થાય.'