મણિશંકર અય્યરની દીકરી સામે દિલ્હી પોલીસે FIR નોંધી, રામ મંદિર અંગે કરી હતી વાંધાજનક ટિપ્પણી
- આ કેસ સુપ્રીમ કોર્ટના વકીલ અને ભાજપ નેતા અજય અગ્રવાલની ફરિયાદ પર નોંધવામાં આવ્યો
- સુરન્યા અય્યરે અયોધ્યા રામ મંદિરના વિરોધમાં ત્રણ દિવસના ઉપવાસ કર્યા હતા
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 04 ફેબ્રુઆરી 2024, રવિવાર
Delhi Police Lodge FIR Against Suranya Aiyar: સોશિયલ મીડિયા પર કથિત રીતે વાંધાજનક ટિપ્પણી પોસ્ટ કરવાના આરોપમાં કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરની દીકરી સુરન્યા અય્યર સામે દિલ્હી પોલીસે FIR નોંધી છે. આ કેસ સુપ્રીમ કોર્ટના વકીલ અને ભાજપ નેતા અજય અગ્રવાલની ફરિયાદ પર નોંધવામાં આવ્યો છે. અજય અગ્રવાલે આરોપ લગાવ્યો હતો કે, સુરન્યા અય્યરે 20 જાન્યુઆરી 2024 અને અન્ય તારીખો દરમિયાન વિભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમણે પોલીસને 20 જાન્યુઆરીના રોજ પોસ્ટ કરવામાં આવેલ વીડિયો ક્લીપની લિંક પણ આપી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી
અજય અગ્રવાલે શનિવારે દિલ્હી પોલીસના સાયબર ક્રાઈમ સેલને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સુરન્યા અય્યરે 20 જાન્યુઆરી 2024 અને અન્ય તારીખો દરમિયાન ફેસબુક, યુટ્યૂબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાંધાજનક નિવેદનો પોસ્ટ કર્યા હતા. તેમણે આ નિવેદન સાથે સબંધિત કેટલાક વીડિયો પોલીસને બતાવતા સુરન્યા અય્યર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં માટે વિનંતી કરી હતી.
RWAએ સોસાયટી છોડીને ચાલ્યા જવાની સલાહ આપી હતી
બીજી તરફ આ કારણે જંગપુરા સ્થિત તેમની સોસાયટીના આરડબ્લ્યુએએ તેમને અને મણિશંકર ઐયરને પત્ર લખીને તેમના નિવેદન માટે જાહેરમાં માફી માંગવા જણાવ્યું છે અને જો તે ન કરી શકે તો સોસાયટી છોડી દેવા જણાવ્યું છે.
મણિશંકર ઐયર કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. તેમની પુત્રી સુરન્યાને તેમની જ સોસાયટી દ્વારા નોટિસ આપવામાં આવી છે. સુરન્યા અય્યરે અયોધ્યા રામ મંદિરના વિરોધમાં ત્રણ દિવસના ઉપવાસ કર્યા હતા અને સોશિયલ મીડિયા પર સનાતન વિરુદ્ધ અપશબ્દો બોલ્યા હતા. તે રામ મંદિરના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહી હતી. જેના લીધે આ મામલો વધુ ગંભીર બન્યો હતો.