એલ્વિશ યાદવ અને ભારતી સિંહને પોલીસનું તેડું, રૂ.500 કરોડના કૌભાંડનો ઘટસ્ફોટ
Delhi Police Summoned Bharti Singh: દિલ્હી પોલીસે રૂ. 500 કરોડના એપ કૌભાંડમાં યુટ્યૂબર એલ્વિશ યાદવ અને કોમેડિયન ભારતી સિંહ સહિત અન્ય ત્રણને સમન્સ પાઠવ્યા છે. પોલીસને આ સંદર્ભે 500થી વધુ ફરિયાદ મળી હતી, જેમાં આરોપ મૂકાયો હતો કે, ઘણા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ અને યુટ્યુબર્સે પોતાના પેજ પર HIBOX મોબાઈલ એપ્લિકેશનનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. આ એપએ રોકાણકારોને છેતરી તેમની પાસેથી રૂ. 500 કરોડનું કૌભાંડ કર્યું છે.
પ્રથમ પાંચ મહિનામાં જંગી રિટર્ન આપ્યું
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (IFSO સ્પેશિયલ સેલ) હેમંત તિવારીએ જણાવ્યું હતું કે, HIBOX એ એક મોબાઇલ એપ્લિકેશન છે, જે સુનિયોજિત કૌભાંડનો ભાગ છે. આ એપ્લિકેશન દ્વારા, આરોપીઓએ દરરોજ એકથી પાંચ ટકા રિટર્નની ખાતરી આપી હતી, જે એક મહિનામાં 30 થી 90 ટકા જેટલું થાય છે. આ એપ ફેબ્રુઆરી 2024માં લોન્ચ કરવામાં આવી હતી. આ એપમાં 30,000થી વધુ લોકોએ રોકાણ કર્યું હતું. પ્રથમ પાંચ મહિનામાં રોકાણકારોને સારું રિટર્ન મળ્યું હતું. પરંતુ ત્યારબાદ ટેક્નિકલ ખામી, કાયદીકીય જોગવાઈઓ, અને જીએસટી સહિતની અડચણોનો હવાલો આપી રોકાણકારોના પેમેન્ટ અટકાવી દીધા હતાં. અને કથિત કંપનીઓ ઓફિસને તાળા મારી ફરાર થી હતી.
ઓગસ્ટમાં એફઆઈઆર નોંધાઈ
ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સમાં HIBOX એપ્લિકેશન વિરૂદ્ધ પોલીસને 29 પીડિતોને ફરિયાદ મળી હતી. ફરિયાદીઓએ આરોપ મૂક્યો હતો કે, તેમના રોકાણ પર ઉંચા રિટર્નનું વચન આપી છેતરપિંડી કરી હતી. 20 ઓગસ્ટે સ્પેશિયલ સેલએ વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં નોર્થ-ઈસ્ટ જિલ્લામાંથી નવ લોકોએ ફરિયાદ કરી હતી., આ સિવાય બાહ્ય જિલ્લાઓ, શાહદરા અને એનસીઆરપી પોર્ટલ પરથી 50થી વધુ ફરિયાદો મળી હતી. ડીસીપીએ કહ્યું કે, અમારી ટીમે છેતરપિંડી મામલે પેમેન્ટ ગેટવે અને બેન્ક ખાતાઓની માહિતી એકઠી કરી છે. ટ્રાન્જેક્શન મારફત ચાર ખાતાઓની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી 18 કરોડ જપ્ત કરવામાં આવ્યા છે.