2000 કરોડના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનું ભાંડાફોડ, મુખ્ય આરોપી તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો મોટો પ્રોડ્યુસર

માર્ચમાં તેની એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, નિર્માતા હાલમાં ફરાર

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
2000 કરોડના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનું ભાંડાફોડ, મુખ્ય આરોપી તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો મોટો પ્રોડ્યુસર 1 - image

image : Freepik 



International drugs syndicate News | દિલ્હી પોલીસ અને NCBએ સંયુક્ત ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ સિન્ડિકેટે અત્યાર સુધીમાં 2000 કરોડ રૂપિયાની દવાઓનું વેચાણ કર્યું હોવાનો દાવો કરાયો છે. સિન્ડિકેટનો મુખ્ય આરોપી તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો મોટો પ્રોડ્યુસર હોવાનો ખુલાસો થયો છે. માર્ચમાં તેની એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. નિર્માતા હાલમાં ફરાર છે, તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે.

સિન્ડિકેટ સાથે સંકળાયેલા 3ની ધરપકડ 

આ સિન્ડિકેટ સાથે સંકળાયેલા ત્રણ લોકોની દિલ્હીમાં 50 કિલો સ્યુડોફેડ્રિન સાથે ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગનું નેટવર્ક ભારતથી ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને મલેશિયા સુધી વિસ્તરેલું છે. હેલ્થ મિકસ પાવડર, સૂકા નાળિયેર જેવી ખાદ્ય ચીજોની આડમાં હવાઈ અને દરિયાઈ કાર્ગોના માધ્યમથી તેની દાણચોરી કરવામાં આવી રહી હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરે સાથે મળીને તપાસ શરૂ 

સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્કને પકડી પાડવા માટે NCB ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયન સત્તાધીશો સાથે મળીને તપાસ કરી રહી છે. એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જ્ઞાનેશ્વર સિંહના જણાવ્યા અનુસાર, ન્યૂઝીલેન્ડના કસ્ટમ અધિકારીઓ અને ઓસ્ટ્રેલિયન પોલીસ પાસેથી માહિતી મળી હતી કે સૂકા નારિયેળના પાવડરમાં સંતાડીને સ્યુડોફેડ્રિનનો મોટો જથ્થો બંને દેશોમાં મોકલવામાં આવી રહ્યો છે. યુએસ ડીઇએ (ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન) પાસેથી માહિતી મળી હતી કે આ ડ્રગ્સ દિલ્હીથી આવી રહ્યો છે. સ્યુડોફેડ્રિનનો ઉપયોગ મેથામ્ફેટામાઇન બનાવવા માટે થાય છે, જે વિશ્વભરમાં સૌથી વધુ ડિમાંડ ધરાવતો ડ્રગ્સ છે. તે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આશરે રૂ. 1.5 કરોડ પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને NCBનું સંયુક્ત ઓપરેશન

આ સાંઠગાંઠને પકડી પાડવા માટે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને NCBની સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી. લગભગ 4 મહિનાની તપાસ બાદ જાણવા મળ્યું કે આ સિન્ડિકેટ ઓસ્ટ્રેલિયામાં અન્ય કન્સાઇનમેન્ટ મોકલવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ત્યારપછી ટીમે 15 ફેબ્રુઆરીએ પશ્ચિમ દિલ્હીના બસાઈ દારાપુરમાં તેના વેરહાઉસ પર દરોડા પાડ્યા હતા. તે સમયે આરોપીઓ મલ્ટીગ્રેન ફૂડ મિશ્રણના એક કન્સાઇનમેન્ટમાં સ્યુડોફેડ્રિન પેક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન 50 કિલો સ્યુડોફેડ્રિન મળી આવ્યું હતું. આ ગેંગના ત્રણ આરોપીઓની (તમામ તમિલનાડુના) સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેમણે ખુલાસો કર્યો કે છેલ્લા 3 વર્ષમાં તેમના દ્વારા કુલ 45 કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યા હતા, જેમાં અંદાજે 3500 કિલો સ્યુડોફેડ્રિન હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2000 કરોડ રૂપિયાથી વધુ છે. આ સાંઠગાંઠના માસ્ટર માઈન્ડની ઓળખ તમિલ ફિલ્મના નિર્માતા તરીકે થઈ છે, જે ફરાર છે. તેને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી સ્યુડોફેડ્રિનનો સ્ત્રોત શોધી શકાય.

2000 કરોડના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનું ભાંડાફોડ, મુખ્ય આરોપી તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો મોટો પ્રોડ્યુસર 2 - image



Google NewsGoogle News