Get The App

26/11ના આરોપી તહવ્વુર રાણાને ઝટકો, કોર્ટે પરિવારના સભ્યો સાથે વાત કરવાની અરજી ફગાવી

Updated: Apr 24th, 2025

GS TEAM


Google News
Google News
26/11ના આરોપી તહવ્વુર રાણાને ઝટકો, કોર્ટે પરિવારના સભ્યો સાથે વાત કરવાની અરજી ફગાવી 1 - image


Tahawwur Rana Case : દિલ્હીની એક કોર્ટે આજે (24 એપ્રિલ) 26/11ના આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાની તેના પરિવારના સભ્યો સાથે વાત કરવાની અરજી ફગાવી દીધી હતી. પટિયાલા હાઉસના સ્પેશિયલ ન્યાયાધીશ ચંદર જીત સિંહે રાણાના વકીલ અને એનઆઈએની અરજી પર દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે, રાણાને તેના પરિવારના સભ્યો સાથે વાત કરવાની મંજૂરી નથી.

મારો પરિવાર મારા સ્વાસ્થ્યની ચિંતા કરશે : રાણાની દલીલ

રાણાએ તેમના વકીલ દ્વારા અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે, તેમના પરિવારના સભ્યો સાથે વાત કરવી એ તેમનો મૂળભૂત અધિકાર છે અને તેઓ તેમના સ્વાસ્થ્યની ચિંતા કરશે. 

એનઆઈએએ રાણાની અરજીનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે, જો તેમને તેમના પરિવારના સભ્યો સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવે તો તેઓ મહત્વપૂર્ણ માહિતી શેર કરી શકે છે.

NIA કહ્યું કે, કેસ હજુ પણ નિર્ણાયક તબક્કામાં છે. તે જ સમયે, રાણા વતી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે વિદેશી નાગરિક હોવાને કારણે, રાણાનો પોતાના પરિવાર સાથે વાત કરવાનો મૂળભૂત અધિકાર છે, જેઓ તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છે.

તહવ્વુર રાણા 28 એપ્રિલ સુધી NIA કસ્ટડીમાં

રાણાએ તેમના વકીલ દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે પરિવાર સાથે વાત કરવાની વિનંતી કરી હતી. તેણે કહ્યું હતું કે, તે તેનો મૂળભૂત અધિકાર છે. ઉલ્લેખનીય છે કે, રાણા 28 એપ્રિલ સુધી NIA કસ્ટડીમાં છે. NIAએ આરોપ લગાવ્યો હતો કે, ગુનાહિત ષડયંત્રના ભાગ રૂપે આરોપી ડેવિડ કોલમેન હેડલીએ ભારત આવતા પહેલા રાણા સાથે સમગ્ર ઓપરેશનની ચર્ચા કરી હતી.

આ પણ વાંચો : પાકિસ્તાન પાસે હતા અમેરિકન યુદ્ધજહાજ, ફાઈટર જેટ... છતાં ભારતે આપી હતી મ્હાત, જાણો ત્રણ મોટી ઘટના

હેડલીએ સંપત્તિની વિગતો ઈમેઈલ કરી

એનઆઈએએ રાણાની રિમાન્ડની માંગ કરતી વખતે દલીલ કરી હતી કે, હેડલીએ રાણાને એક ઈમેઇલ મોકલ્યો હતો જેમાં તેની વસ્તુઓ અને મિલકતોની વિગતો હતી. હેડલીએ આ કેસમાં આરોપી પાકિસ્તાની નાગરિકો ઈલ્યાસ કાશ્મીરી અને અબ્દુર રહેમાનની કાવતરામાં સંડોવણી વિશે પણ માહિતી રાણાને આપી હતી. તહવ્વુર 2 મે સુધી 18 દિવસ માટે NIA કસ્ટડીમાં રહેશે. 

તહવ્વુર રાણાની રોજ 8થી 10 કલાક પૂછપરછ

સૂત્રોના જણાવ્યા અનુસાર, તહવ્વુરની દરરોજ 8-10 કલાક પૂછપરછ થઈ રહી છે. તે તપાસમાં સહકાર આપી રહ્યો છે. NIAના મુખ્ય તપાસ અધિકારી જયા રોય દ્વારા તપાસ થઈ રહી છે. અત્યાર સુધી તેણે ત્રણ જ વસ્તુઓ પેન, કાગળ/નોટપેડ અને કુરાન માંગી છે. જે તેને અપાયું છે. NIAના નિયમો મુજબ તેને અન્ય આરોપીઓને જે ખોરાક અપાઈ રહ્યો છે, તે જ ખોરાક આપવામાં આવી રહ્યો છે. તેણે દિલ્હીના CGO કોમ્પ્લેક્સમાં NIA મુખ્યાલયમાં એક ઉચ્ચ સુરક્ષા સેલમાં રખાયો છે અને ત્યાં 24 કલાક સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરાયા છે.

આ પણ વાંચો : પહલગામ આતંકી હુમલા પર સર્વદળીય બેઠક, રાહુલ ગાંધીએ કહ્યું- 'સરકારને અમારો પૂરો સપોર્ટ'

Tags :