'આફત તો ક્યારેક જ આવે પણ અહીં તો દર વર્ષે...' 3 સાથીને ગુમાવતાં UPSCના વિદ્યાર્થીઓમાં રોષ
Delhi rajendra nagar news | દિલ્હીના રાજેન્દ્ર નગર સ્થિત કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાવાને કારણે UPSCના ત્રણ વિદ્યાર્થીઓના મોત થઈ ગયા છે. જૂના રાજેન્દ્ર નગરમાં RAU'sના IAS કોચિંગ સેન્ટરના ભોંયરામાં શનિવારે અચાનક પાણી ભરાઈ ગયું હતું. આ કેસમાં બે લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. દરમિયાન, દિલ્હી સરકારે ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.
વિદ્યાર્થીઓ ભડક્યાં, દેખાવો શરૂ
અકસ્માત બાદ કોચિંગ સેન્ટરની બહાર વિદ્યાર્થીઓ ભડકી ગયા હતા અને દેખાવો શરૂ કરી દીધા હતા. દેખાવકાર વિદ્યાર્થીઓ MCD અને કોચિંગ સેન્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. મેજિસ્ટ્રેટ તપાસના આદેશ પર એક દેખાવકાર વિદ્યાર્થીએ કહ્યું કે, 'અહીં જવાબદારી લેવા માટે કોઈ નથી. અમે ઈચ્છીએ છીએ કે સરકાર તરફથી કોઈ અહીં આવે અને જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓની જવાબદારી લે. ટ્વિટ કરીને, પત્ર લખીને, તમારા એસી રૂમમાં બેસીને, તમે લોકોનું ભવિષ્ય કેવી રીતે સુધારી રહ્યા છો? જ્યારે લોકો મત માંગવા આવે છે ત્યારે તો ઘરે સુધી આવી જાય છે અને જ્યારે કોઈ દુર્ઘટના બને છે ત્યારે ફક્ત ઘરે બેસીને પત્રો જ લખે છે.
'10-15 મિનિટમાં પૂર આવી જાય છે'
અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું કે , 'સૌથી મોટી સમસ્યા એ છે કે 80 ટકા લાઈબ્રેરી અહીં ભોંયરામાં છે. જો 10 મિનિટ પણ વરસાદ પડે તો અહીં પૂર આવી જાય છે. આજ સુધી MCDએ તેના પર કોઈ કામ કર્યું નથી. આ MCDની જવાબદારી છે. અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું, 'હવે તો દિલ્હીમાં 10થી 15 મિનિટમાં જાણે પૂર આવી જાય છે, આ સૌથી પોશ વિસ્તાર છે, અહીં લોકો અઢીથી ત્રણ લાખ રૂપિયા આપીને ભણે છે. એટલા માટે જવાબદારી તો MCDની જ છે. જો કોઈ ટપરીથી પાસેથી પૈસા લેવાના હોય તો આ જ MCD ખૂબ જ જવાબદાર બની જાય છે. આજે આ એક લાઇબ્રેરીમાં થયું જ્યાં લોકોને બચાવવામાં 12 થી 15 કલાકનો સમય લાગ્યો અને છતાં કોઈ ન બચ્યું, 99 ટકા લોકો બચ્યા ન હતા.
'આ કોઈ આપત્તિ નથી, આ MCDની બેદરકારી છે'
અન્ય એક દેખાવકાર વિદ્યાર્થીએ કહ્યું કે, 'એમસીડીએ કહ્યું છે કે આ આફત છે પરંતુ હું માનું છું કે આ સંપૂર્ણપણે બેદરકારી છે. હું અહીં બે વર્ષથી રહું છું. અડધો કલાક વરસાદ પડતાં જ ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે. આવું બે વર્ષથી સતત થઈ રહ્યું છે. આફત એવી હોય છે જે ક્યારેક જ આવે છે પરંતુ અમે બે વર્ષથી આવી સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ.