દિલ્હીના નવા મુખ્યમંત્રી અંગે આજે AAPની બેઠકમાં થશે ચર્ચા, અટકળો પર સૌરભ ભારદ્વાજે આપ્યો આ જવાબ
Delhi New CM : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જ્યારથી રાજીનામાની જાહેરાત કરી છે, ત્યારથી જ સવાલ થઈ રહ્યો છે કે, આખરે દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ હશે? સોમવારે જ્યારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા ભારદ્વાજને પૂછવામાં આવ્યું કે, દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ હશે? ત્યારે ભારદ્વાજે જવાબ આપ્યો કે, આ વિશે તમને જેટલી જાણકારી છે, તેટલી જ મને છે.
મુખ્યમંત્રી વિશે પ્રશ્નનો જવાબ આપતાં સૌરભ ભારદ્વાજે કહ્યું, 'ભારતીય જનતા પાર્ટીને લઈને જબરદસ્ત નારાજગી છે. તે ચૂંટાયેલા મુખ્યમંત્રીની પાછળ પડી ગઈ છે અને પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. તેમ છતાં (કેજરીવાલ) જેલથી બહાર નીકળ્યા તો તેમણે સત્તાનું સુખ ન ભોગવ્યું. તેઓએ કહ્યું કે, જ્યાં સુધી જનતા નહીં કહે, હું આ ખુરશી પર નહીં બેસું. કેજરીવાલને વડાપ્રધાનના ઈશારે ફસાવવામાં આવ્યા છે અને હવે તેમના ષડ્યંત્રનો પર્દાફાશ થઈ ગયો છે.'
નૈતિકતાના નામે રાજીનામું
મંત્રી ભારદ્વાજે કેજરીવાલના વખાણ કરતાં કહ્યું, 'મર્યાદાના નામે સતયુગમાં ભગવાન રામે પોતાનું સિંહાસન છોડ્યું હતું, આજે આવું જ ઉદાહરણ જોવા મળી રહ્યું છે. મર્યાદા અને નૈતિકતાના નામે અરવિંદ કેજરીવાલ રાજીનામું આપી રહ્યા છે. સતયુગમાં ભગવાન રામે સંજોગો આધિન રાજગાદીનો ત્યાગ કર્યો હતો અને 14 વર્ષનો વનવાસ ભોગવ્યો હતો. અયોધ્યાની જનતા રડી રહી હતી કે, રામ તમે ન જાવ અને આ સિંહાસન પર વિરાજો. પરંતુ, મર્યાદાના કારણે રામ તે સિંહાસન છોડીને જતા રહ્યાં. ભરત જેને સિંહાસન મળ્યું, તે પણ રાહ જોતા રહ્યાં કે, રામ પાછા આવે અને કામ સંભાળે. અરવિંદ કેજરીવાલ રામ નથી, રામ તો ભગવાન હતાં. ભગવાન રામના ભક્ત હનુમાન અને હનુમાનના ભક્ત અરવિંદ કેજરીવાલ છે. તેમની રામ સાથે તુલના થઈ ન શકે.'
આજે થશે PAC ની મહત્ત્વની બેઠક
જણાવી દઈએ કે, આજે આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC) ની બેઠક થવાની છે. સાંજે મુખ્યમંત્રી આવાસ પર PAC ની બેઠક થશે. આ દરમિયાન દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પર પણ ચર્ચા થઈ શકે છે.
આ પણ વાંચોઃ 49 દિવસમાં જ CM પદ છોડી કેજરીવાલે સૌને ચોંકાવ્યા હતા, વિપક્ષને પણ અનેકવાર ચકરાવે ચઢાવ્યા
PAC માં હાજરી આપશે આ સભ્યો
- અરવિંદ કેજરીવાલ
- મનીષ સિસોદિયા
- સંજય શર્મા
- દુર્ગેશ પાઠક
- આતિશિ
- ગોપાલ રાય
- ઈમરાન હુસૈન
- રાઘવ ચઢ્ઢા
- રાખી બિડલાન
- પંકજ ગુપ્તા
- એનડી ગુપ્તા