રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય, આવતીકાલે શપથગ્રહણ સમારોહ
Delhi New CM: 26 વર્ષ બાદ દિલ્હીમાં સત્તામાં આવનાર ભારતીય જનતા પાર્ટી(BJP)ના નવા મુખ્યમંત્રી નામની જાહેરાત કરી દેવાઈ છે. રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર લાગી છે. ગુરુવારે (20 ફેબ્રુઆરી) રેખા ગુપ્તા રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. જણાવી દઈએ કે, 5 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું અને 8 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થયા હતા. જેમાં ભાજપે ત્રણ વખત સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીને હરાવીને 48 બેઠકો જીતી છે. જ્યારે છેલ્લી બે ચૂંટણીઓમાં ભાજપ માત્ર 3 અને 8 બેઠકો સુધી જ સીમિત રહી હતી. છેલ્લી ચૂંટણીમાં 62 બેઠકો જીતનાર AAP આ વખતે માત્ર 22 બેઠકો જ જીતી શકી છે.
ઉપરાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો કર્યો દાવો
દિલ્હી ભાજપ ધારાસભ્ય દળના નેતા રેખા ગુપ્તાએ રાજભવન ખાતે ઉપરાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.
આ પણ વાંચો: દિલ્હીના નવા મુખ્યમંત્રી માથે 'કાંટાનો તાજ'!, આ છે પાંચ સૌથી મોટા પડકાર
મારા પર વિશ્વાસ કરવા બદલ આભાર: રેખા ગુપ્તા
રેખા ગુપ્તાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, 'મારા પર વિશ્વાસ કરીને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવા માટે હું તમામ શીર્ષ નેતૃત્વનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું.'
પરવેશ વર્મા નાયબ મુખ્યમંત્રી
પરવેશ વર્માને નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેના નામ પર મહોર લાગી છે. ગુરૂવારે (20 ફેબ્રુઆરી) રેખા ગુપ્તા રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે.
વિજેન્દ્ર ગુપ્તાને વિધાનસભા સ્પીકર બનાવાયા
ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં વિજેન્દ્ર ગુપ્તાને વિધાનસભા સ્પીકર બનાવવાનો નિર્ણય લેવાયો છે.
ભાજપ કાર્યાલયમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ
પર્યવેક્ષક ઓપી ધનખડ અને રવિશંકર પ્રસાદની અધ્યક્ષતામાં દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલયમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. જેમાં પરવેશ વર્મા, વિજેન્દ્ર ગુપ્તા સહિતના ભાજપના ધારાસભ્યો અને નેતાઓ પણ હાજર રહ્યા.
આ પણ વાંચો: કોણ છે રેખા ગુપ્તા? ભાજપે શા માટે તેમને બનાવ્યા દિલ્હીના CM? જાણો તેના પાછળનું કારણ