આતિશીએ રજૂ કર્યો દિલ્હીમાં સરકાર રચવાનો દાવો, ભાજપે કહ્યું- મેકઓવરથી દાગ નહીં ધોવાય

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
આતિશીએ રજૂ કર્યો દિલ્હીમાં સરકાર રચવાનો દાવો, ભાજપે કહ્યું- મેકઓવરથી દાગ નહીં ધોવાય 1 - image


Delhi New CM Atishi Marlena : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ દિલ્હીના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આજના ઘટનાક્રમમાં કેજરીવાલના રાજીનામા બાદ આમ આદમી પાર્ટી (AAP)ની વિધાયક દળની બેઠકમાં આતિશી માર્લેનાને મુખ્યમંત્રી બનાવવા પર મહોર વાગી છે અને માર્લેનાએ આજે એલી ઓફિસ પહોંચી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો છે. આ સાથે તેમણે ભાજપ પર નિશાન સાધ્યું છે.

કેજરીવાલ અને આતિશીએ ઉપરાજ્યપાલ સાથે કરી મુલાકાત

મળતા અહેવાલો મુજબ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ઉપરાજ્યપાલ વી.કે.સક્સેના સાથે મુલાકા કરીને રાજીનામું આપી દીધું છે. આ સાથે આતિશીએ વિધાયક દળ દ્વારા પસંદ કરાયેલા નેતાના નામનો પત્ર પણ ઉપરાજ્યપાલને સોંપ્યો છે. કેજરીવાલે બે દિવસ પહેલા જ જાહેરાત કરી હતી કે, તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી જનતા વચ્ચે જશે.

આ પણ વાંચો : લિકર પોલિસી કેસના તમામ આરોપીઓ જેલ બહાર, બિઝનેસમેન અમિત અરોરા અને અમનદીપ સિંહને પણ જામીન

અમે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો : આપ

કેજરીવાલે રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ એલજી ઓફિસમાંથી બહાર આવ્યા હતા અને તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન ગોપાલ રાયે કહ્યું કે, ‘અમે ઉપરાજ્યપાલ સમક્ષ આતિશીજીને નવા મુખ્યમંત્રી બનાવવા માટે દાવો રજુ કર્યો છે. આ ઉપરાંત અમે એલજીને શપથગ્રહણની તારીખ પણ નિર્ધારીત કરવાની માંગ કરી છે.’

રાયે વધુમાં કહ્યું કે, ‘કેજરીવાલે જાહેરાત કરી હતી કે, દિલ્હી જનતા તેમને જીતાડીને ઈમાનદાર જાહેર નહીં કરે, ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રીની ખુરસી પર નહીં બેસે. આ જ કારણે તેમણે એલજી ઓફિસમાં રાજીનામું આપી દીધું છે.

કેજરીવાલનો નિર્ણય ઐતિહાસિક : આતિશી

કેજરીવાલના રાજીનામાં બાદ આતિશીએ કહ્યું કે, ‘અમારા મુખ્યમંત્રી પર ભાજપે છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે. કેજરીવાલનો નિર્ણય વિશ્વની લોકશાહીનો ઐતિહાસિક નિર્ણય છે.’

આતિશીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ‘તેમણે તમામ એજન્સીઓને અરવિંદ કેજરીવાલ પાછળ લગાવી દીધી. તેઓ છ મહિના સુધી જેલમાં રહ્યા. અરવિંદ કેજરીવાલની જગ્યાએ કોઈ અન્ય નેતા હોત તો તે તાત્કાલિક ખુરશી પર બેસી જાય છે. દિલ્હીના લોકો ખૂબ જ દુઃખી છે. જોકે તેમણે કેજરીવાલને ફરી મુખ્યમંત્રી બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.’

આતિશીને મુખ્યમંત્રી બનાવવા પર ભાજપે સાધ્યુ નિશાન

દિલ્હીના મુખ્યમંત્રી તરીકે આતિશીની પસંદગી કરવામાં આવ્યા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ આપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ચહેરો બદલવાથી AAPનું ચારિત્ર નહીં બદલાય. આમ ચહેરો બદલીને મેકઓવર કરવા માંગે છે, જોકે તેમના પર ભ્રષ્ટાચારના લાગેલા દાગ સાફ નહીં થાય.’

આ પણ વાંચો : 'મને કોઈ શુભકામના ન આપે, કોઈ હારમાળા ન પહેરાવે': મુખ્યમંત્રી પસંદ કરાયા બાદ આતિશીની પ્રથમ પ્રતિક્રિયા


Google NewsGoogle News