આવતીકાલે થશે દિલ્હીના નવા CMની જાહેરાત, ધારાસભ્યોની બેઠકમાં નામ પર લાગશે મહોર
Delhi New Chief Minister : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. તેઓએ ગત રવિવારે 48 કલાક બાદ મુખ્યમંત્રીની ખુરશી છોડવાની જાહેરાત કરી હતી. ત્યારથી જ દિલ્હીના રાજકારણમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. આવતી કાલે સવારે 11: 30 વાગ્યે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક થશે. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામ પર મહોર લાગશે.
રાજીનામા સાથે જ નવા CM ની થશે જાહેરાત
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અરવિંદ કેજરીવાલ રાજીનામાની સાથે જ LG ને ધારાસભ્ય દળના નેતાનું નામ અને સમર્થનની ચિઠ્ઠી પણ આપશે. જણાવી દઈએ કે, કેજરીવાલે જાહેરાત કરી હતી કે, બે દિવસમાં તેઓ દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીને કોર્ટમાં જશે. તેઓએ કહ્યું હતું કે, જ્યાં સુધી દિલ્હીની જનતા તેમની પ્રામાણિકતાને મત નહીં આપે ત્યાં સુધી તે મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસે.
આ પણ વાંચોઃ શું મહારાષ્ટ્રની સાથે થઈ શકે છે દિલ્હી વિધાનસભાની ચૂંટણી? જાણો કાયદામાં શું છે જોગવાઈ
આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી આવાસ પર આજે પૉલિટિકલ અફેર્સ કમિટી (PAC) ની બેઠક બોલાવવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા થઈ શકે છે. બેઠક પહેલાં AAP ના સિનિયર નેતા મનીષ સિસોદિયા અને રાઘવ ચઢ્ઢા અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતાં.
નવા મુખ્યમંત્રીના નામ પર સૌરભ ભારદ્વાજે આપ્યો જવાબ
સોમવારે AAP ના મુખ્ય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં નવા મુખ્યમંત્રીના નામ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેઓએ કહ્યું, 'ભારતીય જનતા પાર્ટીને લઈને જબરદસ્ત નારાજગી છે. તે ચૂંટાયેલા મુખ્યમંત્રીની પાછળ પડી ગઈ છે અને પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. તેમ છતાં (કેજરીવાલ) જેલથી બહાર નીકળ્યા તો તેમણે સત્તાનું સુખ ન ભોગવ્યું. તેઓએ કહ્યું કે, જ્યાં સુધી જનતા નહીં કહે, હું આ ખુરશી પર નહીં બેસું. કેજરીવાલને વડાપ્રધાનના ઈશારે ફસાવવામાં આવ્યા છે અને હવે તેમના ષડ્યંત્રનો પર્દાફાશ થઈ ગયો છે.'