BIG BREAKING: આતિશી બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી, સાંજે રાજીનામું આપશે કેજરીવાલ
Delhi New CM Announced : દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ હશે? આ સવાલનો જવાબ મળી ગયો છે. અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી, ત્યારથી જ દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની અટકળો શરૂ થઈ ગઈ હતી. જોકે, હવે આ અટકળોનો અંત આવ્યો છે. દિલ્હી મુખ્યમંત્રી તરીકે હવે આતિશી કાર્યભાર સંભાળશે. પૂર્વ મુખ્યમંત્રીએ બે દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે, તેઓ મુખ્યમંત્રીનું પદ છોડી દેશે અને કોઈ અન્ય આમ આદમી પાર્ટીના નેતા મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે.
જેલમાંથી બહાર આવતાં જ કરી મોટી જાહેરાત
તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે સભા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘હું આગામી બે દિવસમાં રાજીનામું આપી દઈશ. હું તમારી અદાલતમાં આવ્યો છું. હવે તમે જ નિર્ણય કરો કોણ સાચું હતું. મનીષ સિસોદિયા પણ મુખ્યમંત્રી નહીં બને. દિલ્હીની ચૂંટણી ફેબ્રુઆરીમાં છે, પરંતુ અમારી માગ છે કે મહારાષ્ટ્રની સાથે નવેમ્બરમાં જ ચૂંટણી કરાવવામાં આવે. ત્યાં સુધી આમ આદમી પાર્ટીનો કોઈપણ નેતા મુખ્યમંત્રી બની શકે છે. હું અને સિસોદિયા હવે જનતા વચ્ચે જઈશું અને અમે ગુનેગાર કે પ્રામાણિક, એ પ્રજાને નક્કી કરવા દઈશું. હવે દિલ્હીના સીએમની શક્ય એટલી ઝડપથી પસંદગી કરી લો. જ્યાં સુધી લોકો ફેંસલો ના કરે કે, કેજરીવાલ પ્રામાણિક છે કે નહીં, ત્યાં સુધી ખુરશી પર નહીં બેસું. કેજરીવાલ પ્રામાણિક લાગતો હોય તો ‘આપ’ને ભરપૂર વૉટ આપજો.’
આ પણ વાંચોઃ દિલ્હીમાં નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી અશક્ય, આ ત્રણ કારણોના લીધે પૂરી નહીં થાય AAPની માંગ
PAC બેઠકમાં લેવાયો નિર્ણય
અરવિંદ કેજરીવાલે ગત 15 સપ્ટેમ્બરના દિવસે 48 કલાક બાદ મુખ્યમંત્રીની ખુરશી છોડવાની જાહેરાત કરી હતી. ત્યારથી જ દિલ્હીના રાજકારણમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ હતી કે, હવે દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે. ત્યારબાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી આવાસ પર આજે પૉલિટિકલ અફેર્સ કમિટી (PAC) ની બેઠક બોલાવવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા થઈ શકે હતી. બેઠક પહેલાં AAP ના સિનિયર નેતા મનીષ સિસોદિયા અને રાઘવ ચઢ્ઢા અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતાં.
PAC બેઠકમાં આ દિગ્ગજ નેતાઓએ આપી હતી હાજરી
કેજરીવાલના આવાસ પર યોજાયેલી PAC ની આ બેઠકમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય શર્મા, દુર્ગેશ પાઠક, આતિશી, ગોપાલ રાય, ઈમરાન હુસૈન, રાઘવ ચઢ્ઢા, રાખી બિડલાન, પંકજ ગુપ્તા અને એનડી ગુપ્તા હાજર રહ્યાં હતાં.
કેજરીવાલે તોડ્યો રેકોર્ડ
અરવિંદ કેજરીવાલે કુલ 156 દિવસે જેલમાં રહીને ભારતમાં સૌથી લાંબા સમય સુધી જેલમાં રહેલા મુખ્યમંત્રીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કથિત લિકર ભ્રષ્ટાચારના કેસમાં ED એ 21 માર્ચે કેજરીવાલની પોતાના નિવાસ સ્થાનેથી ધરપકડી કરી હતી. 10 દિવસની પૂછપરછ બાદ પહેલી જૂને કેજરીવાલને તિહાર જેલમાં મોકલી દેવાયા હતાં. લગભગ 51 દિવસ પછી 10 મે ના રોજ કેજરીવાલને 21 દિવસ સુધી લોકસભા ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા હતાં. 2 જૂને કેજરીવાલે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હદતું. સીબીઆઈ દ્વારા 26 જૂને કેજરીવાલની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી ત્યારથી તે તિહાર જેલમાં બંધ હતાં.
આ પણ વાંચોઃ દિલ્હીની AAP સરકારમાં ધરખમ ફેરફારના એંધાણ: મુખ્યમંત્રી જ નહીં, કેબિનેટ મંત્રીઓ પણ બદલાશે
કેજરીવાલે કોર્ટમાં સીબીઆઈની ધરપકડને પડકારતી અરજી કરી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભઇયાની બેન્ચે પાંચ સપ્ટેમ્બરે સુનવણી બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો અને 13 સપ્ટેમ્બરે સુપ્રીમકોર્ટે સીબીઆઈ કેસમાં પણ કેજરીવાલને જામીન આપી દીધા હતાં.
શરતો સાથે મળી જામીન
જોકે, જામીન આપતાં પહેલાં સુપ્રીમ કોર્ટે અમુક શરત પણ મૂકી છે. જામીન મામલે તેમના પર એ જ શરતો લાગુ છે, જે ઈડીના મામલે જામીન આપતાં સમયે લગાવવામાં આવી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલ કોઈપણ ફાઇલ પર સહી નહીં કરી શકે. આ સાથે જ તેમને ઑફિસ જવા પર પણ પ્રતિબંધ રહેશે. એટલું જ નહીં, આ મામલે તે કોઈ નિવેદન કે ટિપ્પણી પણ નહીં કરી શકે.
- મુખ્યમંત્રી કાર્યાલય કે સચિવાલય જઈ શકશે નહીં
- કોઈ પણ સરકારી ફાઇલ પર સહી કરવાની અનુમતિ નહીં
- કેસના ટ્રાયલ પર જાહેરમાં કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવી નહીં
- કોઈ પણ સાક્ષી સાથે વાત કરવી નહીં
- કેસથી સંલગ્ન ફાઇલ સુધી પહોંચવા પ્રયાસ કરવો નહીં
- જરૂર પડે ત્યારે ટ્રાયલ કોર્ટમાં હાજર થઈ તપાસમાં સહયોગ કરવો