Delhi Pollution : દિલ્હી-NCRની હવા વધુ ઝેરી બની, ઘણી જગ્યાએ AQI 400થી વધુ નોંધાયો
આગામી 10થી 12 દિવસ સુધી પ્રદૂષણ ખૂબ જ ગંભીર સ્થિતિમાં રહેશે
Delhi Pollution : દેશની રાજધાની દિલ્હીમાં ઝેરી હવામાંથી રાહત મળવાની હાલ કોઈ સંભાવના દેખાઈ રહી નથી અને વાતાવરણ સુધરતું નથી. હવાની ગુણવત્તા હજુ પણ ગંભીર સ્થિતિમાં છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મુજબ દ્વારકામાં AQI 486 અને IGI એરપોર્ટ પર 480 નોંધવામાં આવ્યું છે જ્યારે આયા નગરમાં AQI 464 અને જહાંગીરપુરીમાં 464 નોંધાયો છે.
આગામી ત્રણ દિવસ સુધી શહેરમાં પ્રદૂષણનું સ્તર યથાવત્ રહેશે
દિલ્હીના વાતાવરણને લઈને નિષ્ણાતોનું માનવું છે કે આગામી 10થી 12 દિવસ સુધી પ્રદૂષણ ખૂબ જ ગંભીર સ્થિતિમાં રહેશે. ગઈકાલે પણ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી ત્યારે આગામી દિવસોમાં પણ દિલ્હી-NCRના લોકોને કોઈ રાહત મળવાની શક્યતા નથી અને આગામી ત્રણ દિવસ સુધી શહેરમાં પ્રદૂષણનું સ્તર યથાવત્ રહેવાનું છે. રાજધાનીમાં ગઈકાલે બપોરે પવનની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી અને સાંજે થોડો વધારો જોવા મળ્યો હતો અને ઝડપ 10થી 12 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાયો હતો. આજે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા અનુસાર સવારે 6 વાગ્યે આયા નગરમાં અને જહાંગીરપુરીમાં AQI 464 જ્યારે દ્વારકામાં AQI 486 અને IGI એરપોર્ટ પર 480 નોંધવામાં આવ્યો છે.