ભારતના વધુ એક શહેરમાં ભીષણ જળસંકટના એંધાણ, દરરોજ 1 બોરવેલ સૂકાઈ રહ્યો છે, જળસ્તર તળિયે

Updated: Apr 15th, 2024


Google NewsGoogle News
ભારતના વધુ એક શહેરમાં ભીષણ જળસંકટના એંધાણ, દરરોજ 1 બોરવેલ સૂકાઈ રહ્યો છે, જળસ્તર તળિયે 1 - image


Greater Noida Water Crisis : દેશભરના ઘણાં ભાગોમાં ઉનાળાની ધગધગતી ગરમી સાથે પાણીની બૂમો શરૂ થઈ ગઈ છે, ત્યારે દેશના સૌથી વિકસીત શહેર ગ્રેટર નોઈડામાં ભીષણ જળસંકટ સર્જાયું છે. ગ્રેટર નોઈડા ઓથોરિટીના 100થી વધુ બોરવેલ ગ્રેનો વેસ્ટ વિસ્તારના જળસ્તરને ઝડપથી ખાલી કરી રહ્યા છે.

પાંચ લાખ ફ્લેટોના રહેવાસીઓ પર જળસંકટનું એંધાણ

જળસંકટને પહોંચી વળવા ઓથોરિટી દ્વારા અગાઉથી જ બોરવેલને ઊંડા કરવાની કામગીરી થઈ રહી છે અને કુલ 50થી વધુ બોરવેલને વધુ ઊંડા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નવા બોરવેલ પણ બનાવવામાં આવી રહ્યા છે. જો ભૂગર્ભજળનું શોષણ નહીં અટકે તો પાંચ લાખ ફ્લેટોના રહેવાસીઓ માટે જળસંકટ સર્જાઈ શકે છે.

ઘણી સોસાયટીઓમાં પાણીની સમસ્યા

ગ્રેનો વેસ્ટ વિસ્તારમાં 100થી વધુ સોસાયટીઓમાં બે લાખથી વધુ લોકો રહે છે. અહીં વસ્તી વધવાની સાથે પાણીની માંગ પણ વધી રહી છે, જેને ધ્યાને રાખી ઓથોરિટીએ વિસ્તારમાં 100થી વધુ બોરવેલ બનાવ્યા છે અને હજુ પણ નવા બોરવેલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ભૂગર્ભજળનું સતત શોષણ થવાના કારણે અગાઉ બોરવેલમાં 90થી 100 ફૂટની ઊંડાઈ પરથી પાણી મળી જતું હતું, પરંતુ હવે 160થી 180 ફૂટની ઊંડાઈએથી પાણી મેળવવાની મુસીબત સર્જાઈ છે. બોરવેલ બંધ થવાના કારણે રોજબરોજ કોઈને કોઈ સોસાયટીમાં પાણીની પુરવઠો બંધ થઈ જાય છે.

પાણીનું સ્તર ઘટના બોરવેલ સુકાવાનું શરૂ

ભૂગર્ભ જળ વિભાગના હાઇડ્રોલોજિસ્ટ અંકિતા રાયે જણાવ્યું કે, પીવાના પાણીના પુરવઠા માટે બોરવેલ પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ પાણીનું સ્તર ઘટી જવાને કારણે ઓથોરિટીના બોરવેલ સુકાઈ રહ્યા છે. આ સંદર્ભે સત્તામંડળ સાથે સતત વાત કરીને ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગ્રેનો વેસ્ટમાં બે વર્ષથી પાણીની સમસ્યા સર્જાય છે. લોકોનું કહેવું છે કે, ગ્રેનો વેસ્ટમાં કુલ પાંચ લાખ ફ્લેટો બનવાના છે, જેમાં 10 લાખથી વધુ લોકો રહેશે. જો આવી સ્થિતિ યથાવત્ રહેશે તો ગ્રેનો વેસ્ટમાં ભીષણ જળસંકટ સર્જાશે.


Google NewsGoogle News